Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટક મામલામાં આવ્યો ગરમાવો : કર્ણાટકમાં ભાજપનાં સરકાર રચવાના રાજ્યપાલના નિર્ણય સામે કોંગ્રેસ પહોચી સુપ્રીમ કોર્ટ : કોંગ્રેસનાં અભિષેક મનુ સિઁધવીએ સુપ્રીમ કોર્ટમાં આજે (બુધવારે) રાત્રે સુનાવણીની કરી માંગ : ચીફ જસ્ટિસ નિર્ણય લેશે કે રાત્રે સુનાવણી થશે કે નહીં

નવી દિલ્હીઃ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાની વિરુદ્ધમાં કોંગ્રેસ આજે (બુધવારે) રાત્રે જ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિઁધવી આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સિંઘવીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, કોંગ્રેસે કર્ણાટકમાં રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ પોતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે (બુધવારે) રાત્રે સુનાવણીની માંગ કરી છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારને અરજી આપી છે. કોંગ્રેસે માંગ કરી કે આ મામલે આજે રાત્રે સુનાવણી થવી જોઈએ. કોંગ્રેસની અરજી પર ચીફ જસ્ટિસ નિર્ણય લેશે કે રાત્રે સુનાવણી થશે કે નહીં. કોંગ્રેસે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. મહત્વનું છે કે ગુરૂવારે સવારે રાજ્યપાલે યેદિયુરપ્પાને શપથ લેવડાવવાનો સમય આપ્યો છે. 

આ પહેલા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ આજે ભાજપના વિધાયક દળના નેતા બી એસ યેદિયુરપ્પાને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસ કાળઝાળ થઈ ગઈ છે અને ભાજપ પર આકરા પ્રહારો કરવા માંડી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે અમિત શાહજી પાસેથી જાણવા માંગીએ છીએ કે જો બે પક્ષ ચૂંટણી બાદ ગઠબંધન માટે સાથે આવી ન શકે તો તમે ગોવા અને મણિપુરમાં સૌથી મોટી પાર્ટીને બાજુ પર મૂકીને સરકાર કેવી રીતે બનાવી? સુરજેવાલાએ કહ્યું કે રાજ્યપાલે પોતાના પદને શર્મસાર કર્યુ છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે વજુભાઈ વાળાએ રાજભવનની ગરિમા ધૂળમાં મિલાવી. બંધારણ અને નિયમોને અવગણીને તથા ભાજપની કઠપૂતળી તરીકે કામ કર્યું. તેમણે કહ્યું કે રાજ્યપાલે બંધારણની જગ્યાએ 'ભાજપ'માં 'પોતાના માલિકો' (માસ્ટર્સ ઈન બીજેપી)ની સેવા પસંદ કરી. સુરજેવાલાએ કહ્યું કે રાજ્યપાલ વાળાજી એક ભફાજપ કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ બંધારણની રક્ષા કરનારા એક રાજ્યપાલ તરીકે વ્યવહાર કરી રહ્યાં નથી.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આજે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના હસ્તક્ષેપથી કર્ણાટકના રાજ્યપાલે બંધારણના લીરેલીરા ઉડાવી દીધા. સુરજેવાલાએ કહ્યું કે રાજ્યપાલે એક એવી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે જેની પાસે ન તો બહુમત છે કે ન તો જનમત છે. ભાજપને કર્ણાટકની જનતાએ બહુમત નથી આપ્યો કે તેમની પાસે ધારાસભ્યોનું પૂરતુ સમર્થન પણ નથી. કોંગ્રેસી નેતાએ કહ્યું કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પાસે 117 ધારાસભ્યોનું સ્પષ્ટ સમર્થન છે.

જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપીને રાજ્યપાલ હોર્સ ટ્રેડિંગને પ્રોત્સાહન આપી રહ્યાં છે. જે ગેરબંધારણીય છે. અમે આગળની રણનીતિ પર વિચાર કરીશું.

(12:19 am IST)