Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બેંકો ૧૦ના સિક્કા સ્વિકારતી નથીઃ પધરાવી જરૂર દયે છે

અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ૧૦ના સિક્કા સ્વીકારવાનો ઇનકારઃ દબાણ કરો તો : રૂ. ૧૦૦ના ૧૦ સિક્કા સ્વીકારે : ઉ.ગુ. - સૌરાષ્ટ્રમાં વેપારીઓ પણ સ્વિકારતા નથી

અમદાવાદ તા. ૧૬ : નોટબંધી બાદ અવારનવાર ઉડતી અફવાઓથી લોકો પરેશાન છે. છેલ્લા ઘણા સમયથી રૂ. ૧૦નાં સિક્કા ચલણમાં છે કે નહીં? તે મુદ્દે દ્વિધામાં રહેતા ઘણા વેપારીઓએ ૧૦નાં સિક્કા સ્વીકારવાનું જ બંધ કરી દીધું છે. અમદાવાદ સહિત રાજયભરના અનેક પેટ્રોલપંપ પર જો રૂ. ૧૦નાં સિક્કા આપીએ તો આ સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવે છે. જો તમે દબાણ કરો તો પેટ્રોલપંપ ઉપર રૂ. ૧૦૦નાં ૧૦ સિક્કા સ્વીકારવામાં આવે છે. પેટ્રોલપંપ સંચાલકો પણ આ બાબતે બળાપો કાઢતા કહે છે કે અમે જયારે બેંકમાં સિક્કા જમા કરાવવા જઇએ છીએ ત્યારે માત્ર હજાર રૂપિયાના જ સિક્કા સ્વીકારાય છે. તો અમે આ સિક્કાનું શું કરીએ?

આટલું જ નહીં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં અને ઉત્ત્।ર ગુજરાતમાં પણ વેપારીઓ ૧૦ના સિક્કા સ્વીકારવાનું ટાળી રહ્યા છે. જેને લઇને લોકોની પરેશાની સતત વધી છે. એક તરફ વેપારીઓ ૧૦ના સિક્કા સ્વીકારતા નથી, બીજી તરફ બેંકોમાંથી તમને સિક્કા ધરાર પધરાવવામાં આવી રહ્યા છે. હવે સામાન્ય લોકોને આ સિક્કા વટાવવા કયાં? એ સવાલ સતાવી રહ્યો છે. બેંકો સિક્કા સ્વીકારતી નથી ત્યારે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોકોને મેસેજ કરીને ૧૦નાં તમામ સિક્કાઓ ચલણમાં હોવાની વાતો કરી રહી છે. જયારે આરબીઆઇએ રૂ. ૧૦ના સિક્કા ચલણમાં મુકયા ત્યારે તેનો એટલો ક્રેઝ હતો કે, લોકો આવા સિક્કાનો સંગ્રહ કરતા હતા. ઘણા લોકો પાસે ખૂબ જ મોટી સંખ્યામાં ૧૦ના સિક્કાનું કલેકશન હતું. સરકારે કાળું નાણું બહાર લાવવાના નામે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નાટો રદ કરી તેના કારણે લોકો પરેશાન થઇ ગયા. આ સમસ્યા માંડ થાળે પડી ત્યારે જ એવી અફવા શરૂ થઇ ગઇ કે રૂ. ૨૦૦૦ની નોટો પણ રદ કરી દેવામાં આવશે. લોકોએ પોતાની પાસેની આવી નોટો તરત જ બેંકમાં જમા કરાવવા માટે કવાયત શરૂ કરી દીધી.ઙ્ગ

હવે છેલ્લા ઘણા સમયથી રૂ.૧૦ના સિક્કા ગમે ત્યારે રદ થઇ જશે તેવી અફવાને લઇને વેપારીઓ ૧૦ના સિક્કા સ્વીકારતા બંધ થઇ ગયા છે. ઘણા વિસ્તારમાં તો ૧૦ની સાથે પાંચના સિક્કા પણ સ્વીકારાતા નથી. સિક્કા તો હજુ ચલણમાં જ છે. તો શા માટે તમે સ્વીકારતા નથી? આવો સવાલ પૂછતાં એક જ જવાબ મળે છે કે 'બેંકો સિક્કા સ્વીકારતી નથી તો અમે આ સિક્કાનું શું કરીએ?' (૨૧.૧૩)

 

(2:12 pm IST)