Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકમાં ધારાસભ્યોની 'બજાર' ગરમઃ ભાવ આસમાને

કોંગ્રેસ ધારાસભ્યોને પંજાબ અથવા આંધ્ર પ્રદેશ ખસેડવાની વેતરણમાં: ૭ લિંગાયત ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છેઃ જેડીએસના પણ પાંચ સભ્યો તૂટી રહ્યા છેઃ કોંગ્રેસ કહે છે, આ બધી અફવા છેઃ ભાજપના ૯ ધારાસભ્યો અમારા સંપર્કમાં: કોંગ્રેસઃ .. તો ભાજપ પોતાને શહીદ તરીકે ખપાવી લાગણી મેળવશે

નવી દિલ્હી, તા. ૧૬ :. ખંડિત જનાદેશના કારણે કર્ણાટકની રાજધાનીમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની બજાર શરૂ થઈ હોય તેવો માહોલ છે.

ભાજપને બહુમતીમાં આઠ ધારાસભ્યો ઘટી રહ્યા છે. બે અપક્ષોને તો લોટરી લાગ્યા જેવી સ્થિતિ છે, પરંતુ બન્ને અપક્ષ પોતાની તરફ આવી જાય તો પણ નૈયા પાર થાય તેમ નથી. આ માટે તોડફોડ અનિવાર્ય હોવાનું જણાય છે.

દરમિયાન સમાચાર વહેતા થયા કે કોંગ્રેસે જેડીએસને ટેકાનો નિર્ણય લેતા કોંગ્રેસના લિંગાયત સાત સભ્યો નારાજ થયા છે અને પક્ષ છોડવા તૈયાર થઈ ગયા છે. આ ન્યુઝ બાદ જોરદાર ગરમાવો આવી ગયો હતો. થોડીવારમાં કોંગી નેતા ગુલામનબી આઝાદ મીડિયા સામે પ્રગટ થયા અને બોલ્યા - 'કોંગ્રેસમાં કોઈ નારાજ નથી, અફવાથી દૂર રહો.'

હજુ આ ખુલાસા ચાલતા હતા ત્યાં સમાચાર આવ્યા કે, જેડીએસના પાંચ ધારાસભ્યો તૂટી રહ્યા છે. ફરી હલચલ શરૂ થઈ ગઈ. બીજી બાજુ એવા સમાચારો પણ વહેતા થયા કે, ભાજપના ૯ ધારાસભ્યો કોંગ્રેસ-જેડીએસ તરફ જઈ રહ્યા છે.

આવી જોરદાર રસાકસી જામી છે. ક્ષણે-ક્ષણે સ્થિતિ બદલાઈ રહી છે. કોંગ્રેસને બીક લાગી ગઈ હોય તેમ પોતાના અથવા આંધ્ર પ્રદેશ ખસેડે તેવી સંભાવના છે. દરમિયાન કુમાર સ્વામી પણ પોતાના ટોળાને સાચવી રાખવા મથી રહ્યા છે.

એક સંભાવના એવી પણ છે કે, ભાજપના ટાંટિયા નહિ પહોંચે તો પોતાને શહીદ તરીકે ખપાવીને દેશભરમાં કોંગ્રેસને સત્તા લાલચુ ગણાવીને ૨૦૧૯ના પ્રચારનો પ્રારંભ કરી દેશે.

દરમિયાન કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ પ્રવકતા રણદિપસિંહ સુરજેવાલાએ મીડીયાને સંબોધિત કરતા ભાજપા પર આરોપ લગાવીને કહ્યુ કે ભાજપ કર્ણાટકમાં ષડયંત્રકારી રીતે સરકાર બનાવવાનો દાવો રજુ કરી રહી છે.

નવી દિલ્હી - સુરજેવાલાએ ભાજપા પર ષડયંત્રકારી રીતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આશા રાખી છે કે, રાજ્યપાલ કોંગ્રેસ અને જે.ડી.એસ.ને સરકાર રચવા આમંત્રણ આપશે. તેમણે આ બાબતે ગોવા, મેઘાલય અને મણીપુર રાજ્યોના ઉદાહરણ આપતા કહ્યુ કે, આ રાજ્યોમાં ભાજપા સૌથી મોટી પાર્ટી ન હોવા છતા ભાજપાના નેતૃત્વમાં સરકાર બની હતી.

સુરજેવાલાએ કહ્યુ કે, માર્ચ ૨૦૧૭માં ગોવામાં ૪૦ સીટની વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી ત્યાં કોંગ્રેસ પાસે ૧૭ અને ભાજપા પાસે માત્ર ૧૨ ધારાસભ્યો હતા. રાજયપાલે ત્યાં મનોહર પરિકરના નેતૃત્વમા ભાજપાને સરકાર બનાવવાનું નિમંત્રણ આપ્યુ હતું. આજ રીતે માર્ચ ૨૦૧૭મા ૬૦ સીટવાળી મણીપુર વિધાનસભામાં કોેંગ્રેસના ૨૮ અને ભાજપાના ૨૧ ધારાસભ્યો હતો.

તેમણે જણાવ્યુ કે માર્ચ ૨૦૧૮માં મેઘાલયમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ૨૧ અને ભાજપાના માત્ર ૨ ધારાસભ્યો હોવા છતા ભાજપાએ એનઈપી, યુડીપી, પીડીએફ અને બીજા સાથે મળીને સરકાર રચવાનો દાવો પેશ કર્યો હતો. આના પહેલા ભાજપા તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પા એ ભાજપાના કેટલાક ધારાસભ્યો સાથે રાજભવન જઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવા આમંત્રણ આપવાની વાત કરી.

યેદિયુરપ્પા રાજ્યપાલને મળ્યા બાદ કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ પણ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાની વાત કરી, ત્યાર બાદ ખબર આવી કે કોંગ્રેસના કેટલાક લીંગાયત ધારાસભ્યોએ જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામી વિરૂદ્ધ બગાવતના સૂર બુલંદ કર્યા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે કેટલાક લીંગાયત ધારાસભ્યોએ જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા પર વિરોધ જાહેર કર્યો છે. કોંગ્રેસના લીંગાયત ધારાસભ્યોએ પાર્ટી છોડવાની પણ ધમકી આપી દીધી છે.

બી.એસ. યેદિયુરપ્પાએ રાજ્યપાલની મુલાકાત બાદ કહ્યુ કે ભાજપા સૌથી મોટી પાર્ટી હોવાથી સરકાર બનાવવાનું નિમંત્રણ અમને મળવુ જોઈએ. જ્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો પાર્ટી છોડશે એવા ડરથી કર્ણાટકની બહાર મોકલવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આંધ્ર પ્રદેશ કે પંજાબમાં મોકલી શકે છે.

કોંગ્રેસને બીક છે કે, વિરોધી પાર્ટી તોડજોડ માટે પોતાના ધારાસભ્યોને ખેંચી શકે તેમ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપા સૌથી મોટી પાર્ટી તરીકે આવી છે. સાંજે ૬ વાગ્યા સુધીમા આવેલ પરિણામો પ્રમાણે ભાજપા ૧૦૪, કોંગ્રેસ ૭૮, જેડીએસ ૩૮ અને અન્ય ૨ આ રીતે સીટો મળેલ છે.(૨-૫)

(11:57 am IST)