Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

GSTના પોર્ટલ પર ધાંધિયા : નોટીસનો જવાબ આપવા રૂબરૂ જવું પડે છે

રાજકોટ, તા. ૧૬ : કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટે જીએસટીઆર ૩-બી અને જીએસટીઆર-૧ રિટર્નના તફાવતને લઇને અમદાવાદની પ હજાર જેટલી નોટીસો કાઢી છે, પરંતુ તેનો ઓનલાઇન જવાબ આપવા માટે પોર્ટલ પર કોઇ વ્યવસ્થા કરાઇ નથી. જયારે અધિકારીઓ છટકવા માટે વેપારીઓને મેલથી જવાબ આપવા માટે જણાવી રહ્યા છે.

જીએસટીમાં ઓનલાઇન કામકાજની વ્યવસ્થા ઉભી કરાઇ છે, જેમાં પેમેન્ટ, રિફંડ, ઇ-વે બિલની તમામ કામગીરીઓ પોર્ટલ પર ઓનલાઇન કરાય છે, પરંતુ આ નોટીસોના જવાબ આપવા માટે ઓનલાઇન કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી વેપારીઓએ આ નોટીસનો જવાબ આપવા માટે રૂબરૂ ઓફીસમાં બોલાવામાં આવે છે અથવા તો ઇ-મેલથી જવાબ મોકલી શકે તેવો બચાવ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઇ રહ્યો છે.

શહેરમાં પાંચ હજારથી વધુ વેપારીને નોટીસો મળી છે, જેમાં જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીના રિટર્ન વચ્ચે પ૦૦ કરોડથી વધુનો તફાવત સામે આવ્યો છે. જેમાં કાપડ બજાર, ઓટો મોબાઇલના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમા ગેરરીતિઓ આચરાઇ હોવાનું ડીપાર્ટમેન્ટના ધ્યાનમાં આવ્યું છે.

જીએસટી અમલમાં આવ્યા બાદ પોર્ટલની મુશ્કેલીના કારણે જીએસટીઆર-૩બી ખરીદ-વેચાણની સમરીનું રિટર્ન ભરવાનું હતું, પરંતુ ત્યારબાદ જીએસટીઆર-૧ રિટર્નમાં ઇન્વોઇસ સહિતના વેચાણની વિગતો આપવાની હતી. બંને રિટર્નમાં તફાવત હોય એવા વેપારીને નોટીસો પાઠવવામાં આવી છે. આ નોટીસનો જવાબ આપવા માટે ઓનલાઇન વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓને ભારે મુશ્કેલી અનુભવી પડી રહી હોવાનું શ્રી વારીશ ઇશાની (પ્રમુખ ગુજરાત સેલ્સટેકસ બાર એસોસિયેશન)એ જણાવ્યું છે

(9:51 am IST)