Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

દેશના ૧૨૬ જિલ્લા પૈકીના ૪૪ નક્સલમુક્ત જાહેર થયા

૮ નવા જિલ્લા નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં સામેલ થયા હોવા છતાંય તેમની સામે વધુ વધુ સકંજો જમાવાયોઃ ઝારખંડ, બિહારમાં મોટી સફળતા હાથ લાગી

નવી દિલ્હી,તા. ૧૬: દેશમાં નક્સલવાદી ગતિવિધીમાં નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. નક્સલવાદી પ્રભાવિત દેશના ૧૨૬ જિલ્લા પૈકી સરકારે ૪૪ જિલ્લાને નક્સલવાદીમુકત જાહેર કરી દીધા છે. જો કે આઠ નવા જિલ્લા નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધારે નક્સલવાદી પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૩૫થી ઘટીને ૩૦ સુધી પહોંચી ગઇ છે. સુરક્ષા દળો દ્વારા હાલના સમયમાં કરવામાં આવેલી કાર્યવાહીને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. હિાર અને ઝારખંડના પાંચ જિલ્લા અતિ નક્સલવાદી પ્રભાવિત ટૈગમાંથી મુક્ત થઇ ગયા છે. આ જિલ્લામાં  ઝારખંડના ડુમકા, પૂર્વીય સિંહભુમ તથા રામગઢ તેમજ બિહારના નવાદા અને મુજ્જફરપુરનો સમાવેશ થાય છે. કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગાબાએ માહિતી આપતા કહ્યુ છે કે નક્સલી હિસાનો ફેલાવો છેલ્લા ચાર વર્ષના ગાળામાં ઉલ્લેખનીય રીતે ઘટી ગયો છે. આની ક્રેડિટ સુરક્ષા અને વિકાસ સંબંધિત પ્રયાસોને જાય છે. બહુમુખીય રણનિતી અપનાવવામાં આવી રહી છે જેના કારણે આ સફળતા હાથ લાગી છે. તેમણે કહ્યુ હતુ કે ૪૪ જિલ્લામાં નક્સલીઓની ઉપસ્થિતી હવે નથી. અને જો છે તો નહીંવત પ્રમાણમાં છે. નક્સલી હિંસા હવે એવા ૩૦ જિલ્લામાં મર્યાદિત થઇ ગઇ છે જે જિલ્લા કોઇ સમય ખુબ જ નક્સલવાદીગ્રસ્ત હતા. રાજીવ ગાબાએ કહ્યુ હતુ કે નક્સલવાદી વિરોધી નીતિની મુખ્ય વિશેષતા એ છે કે હિંસાને બિલકુલ પણ ચલાવી લેવામાં આવનાર નથી. વિકાસ સંબંધી ગતિવિધીઓને પ્રોત્સાહન આપવાની બાબત પણ ઉપયોગી છે. નવા માર્ગો, પુલો, ટેલિફોન ટાવરના લાભ ગરીબો અને પ્રભાવિત વિસ્તારના લોકો સુધી પહોંચાડવાની બાબત ઉપયોગી બની છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ૧૦ રાજ્યોમાં ૧૦૬ જિલ્લાને નક્સલવાદી પ્રભાવિત શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ જિલ્લા સુરક્ષા સંબંધિત યોજના હેઠળ આવે છે. આનો હેતુ સુરક્ષા સંબંધી ખર્ચની રકમનો ઉપયોગ કરવાનો રહ્યો છે. શરણાગતિ સ્વીકારનાર નક્સલવાદીઓને જંગી નાણાં પણ આપવામાં આવી રહ્યા છે. કેટલાક યોગ્ય આયોજનના કારણે મોટી સફળતા હાંસલ થઇ રહી છે. માઓવાદીઓને મુખ્ય ધારામાં સામેલ કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા પ્રભાવિત જિલ્લાના નિરીક્ષણ માટે હાલમાં રાજ્યોની સાથે વ્યાપક સ્તર પર વાતચીત કરી હતી. સૌથી વધારે નક્સલવાદી ગ્રસ્ત વિસ્તારોમાં ઘટાડો થતા મોટી રાહત થઇ ગઇ છે. માઓવાદી પણ હવે સરકારની કેટલીક યોજના અને બીજી બાજુ સુરક્ષા દળોના પગલાના કારણે મુખ્ય પ્રવાહમાં ધીમી ગતિએ સામેલ થઇ રહ્યા છે. જો કે હજુ પણ મોટી સંખ્યામાં જિલ્લા નક્સલવાદીઓના પ્રભાવિત ક્ષેત્ર તરીકે રહ્યા છે.આગામી દિવસોમાં  નક્સલવાદીઓ સામે વધુ નક્કર પગલા લેવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

 

(12:49 pm IST)