Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સબસિડી રદ્દ થયા બાદ ૫,૬૦૦થી વધુ યાત્રાળુએ હજયાત્રા રદ્દ કરી

મુંબઇ તા. ૧૬ : સરકાર દ્વારા હજયાત્રા માટે આપવામાં આવતી સબસિડી પાછી ખેંચી લેવામાં આવતા હજ માટે અરજી કરનાર ૫,૬૦૦થી વધુ અરજદારોએ તેની યાત્રા રદ કરી છે. સબસિડી રદ કરાતા મુસાફરીના ખર્ચમાં વધારો થતા અરજદારોએ હજયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતના કુલ ૧,૭૫,૦૦૦ કવોટામાંથી ૧,૨૮,૦૦૦ હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રવાસ કરશે, જયારે ૪૭,૦૦૦ પ્રાઇવેટ ટુર ઓપરેટરથી કરશે.

હજયાત્રાની યોજના રદ કરનાર ૫,૬૧૭ યાત્રાળુમાંથી ૫૯૪ મહારાષ્ટ્રના છે. ખાલી થયેલી સીટ રાહ જોઇને ઊભેલા ઉમેદવારને મળશે. જોકે હજયાત્રા રદ કરવાનું કારણ યાત્રાળુઓ દ્વારા આપવામાં આવ્યું નથી, છતાં હજ કમિટીના સીઇઓ ડો. એમ. એ. ખાને કબૂલ્યુ હતું કે સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવેલી સબસિડી તે માટે જવાબદાર છે.

ખાને જણાવ્યું હતું કે હજ યાત્રા પર જવાની પ્રક્રિયા દરમિયાન કોઇ પણ તબક્કે યાત્રાળુંઓ તેમની ઉમેદવારી પાછી ખેંચાવી શકે છે અને અમે કયારેય તેમને કારણ પૂછતા નથી. યાત્રાના ખર્ચમાં થયેલો વધારો તેનું કારણ હોઇ શકે.(૨૧.૭)

(11:41 am IST)