Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ચીને ૩૦ દિવસમાં ૩૫ વખત ઘુસણખોરી કરી!

ભારતીય સૈન્યએ દરેક વખતે ખદેડવું પડયું

નવી દિલ્હી તા. ૧૬ : ચીનની અવળચંડાઇનો ફરી એક વાર ખુલાસો થયો છે. ચીને પાછલા એક મહિનામાં લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં સૌથી વધુ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. પાછલા ત્રીસ દિવસમાં ચીની સેનાએ પાંત્રીસ વાર સરહદ પાર કરી છે. આઇટીબીપીના વિરોધ બાદ ચીની સૈનિકો પરત ફર્યા હતા.

વેબસાઇટના અહેવાલમાં આઇટીબીપીના અહેવાલ સાથે આ દાવો કરાયો છે. જેમાં કહેવાયુ છે કે ચીને આ મહિને જ ઉત્ત્।રી લદ્દાખના ડીબીઓમાં સવારે સાત વાગ્યાના અરસામાં વાહન સાથે ભારતીય સરહદમાં ૧૪ કિલોમીટર સુધી ઘુસણખોરી કરી હતી.

જોકે આઇટીબીપીનો સામનો થયા બાદ ચીની સૈનિકો પરત ફર્યા હતા. ચીનન પિપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખના ટ્રિગ હાઇટમાં પણ ઘુસણખોરી કરી હતી. માર્ચ મહિનાની ૧૮મી, ૨૧મી, ૨૪મી અને ત્રીસ માર્ચે તો બે વાર આઠ કિમિ અંદર સુધી ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા. આઇટીબીપીના રિપોર્ટ અનુસાર લદ્દાખના ટ્રેક જંકશનમાં બે ચીની હેલિકોપ્ટરે ઘુસણખોરી કરી હતી. આ બંને હેલિકોપ્ટર ૧૮ કિલોમીટર ભારતીય સ્પેસમાં રહ્યા હતા.

આ ઉપરાંત ચીની સેના ૨૯ માર્ચ અને ત્રીસ માર્ચે અરૂણાચલ પ્રદેશના અસફિલા વિસ્તારમાં ચાર કિલોમીટર સુધી ઘુસી આવી હતી.

તો ૨૨ માર્ચે અરૂણાચલના ડીચૂમાં ચીની સૈનિકો ૨૫૦ મીટર ભારતીય સરહદની અંદર ઘુસી આવ્યા હતા. જયાં આઇટીબીપીના જવાનો સાથે બોલાચાલી બાદ ચીની સૈનિકો પરત ફર્યા હતા.

૨૮ માર્ચે લદ્દાખના ડેસપાંગ વિસ્તારમાં પણ ૧૯ કીમી સુધી ચીની સૈનિકો ઘુસી આવ્યા બાદ પરત ફર્યા હતા. પાછલા ૧૭ દિવસમાં ત્રણ વાર ચીની હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ઘુસી આવ્યાનો પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે.

આઇટીબીપીના રિપોર્ટમાં ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે લદ્દાખના ડેપસાંગમાં ચીન સતત ઘુસણખોરી કરતુ આવ્યુ છે. ૧૭ માર્ચ, ૨૨ માર્ચ, ૨૩ માર્ચ, ૨૮ માર્ચ અને ૧ એપ્રિલે ચીન દસથી ૧૯ કિલોમીટર સુધી ભારતીય જમીનમાં ઘુસણખોરી કરી હતી.

રીપોર્ટ પ્રમાણે ગત ૨૧ માર્ચે ચીની સેનાના ચાર હેલિકોપ્ટર લદ્દાખના ટ્રિગ હાઇટ અને ડેસપાંગ વિસ્તારમાં જોવા મળ્યા હતા. અહી તેઓ ભારતીય સીમામાં ૧૭ કિલોમીટર અંદર સુધી આવ્યા હતા.

૨૭ માર્ચે પણ ફરી એકવાર પીએલએના બે હેલિકોપ્ટર લદ્દાખમાં નજરે પડ્યા હતા. લદ્દાખની ઠાકુંગ પોસ્ટ વિસ્તારમાં ભારતીય સરહદની અંદર સાડા ચાર કિમી સુધી તેઓ ઘુસી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં ટ્રિગ હાઇટ અને ડેપસાંગ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારો છે. આ માટે ચીન આ વિસ્તારો પર ડોળો જમાવીને બેઠુ છે. આ વિસ્તારમાં જ ભારતનો મહત્વપૂર્ણ દોલતબેગ ઓલ્ડી એરફીલ્ડ આવેલુ છે. ચીન ઘુસણખોરી દ્વારા આ એરફીલ્ડ પર નજર રાખવાની ફિરાકમાં છે.(૨૧.૧૦)

(11:44 am IST)