Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

લેમ્પ કાઢી મોબાઇલ ચાર્જ કરાતા ટેન્ટ ભડભડ સળગ્યા

પ્રાંસલા શિબિર અગ્નિકાંડ આગ મામલે ચોંકાવનારો ખુલાસોઃ મોરબીની સમજુબા વિદ્યાલયની કૃપા સોલંકીએ કર્યો ધડાકોઃ સમયસર પગલા નહિ ભરાતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

ઉપલેટા : તાલુકાના પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબિરમાં કાલે ભયાનક આગ લાગતા અફડા-તફડી મચી ગઇ હતી. તસ્વીરમાં આગની જવાળાથી સળગી ગયેલા ટેન્ટ, ઘટના સ્થળે સુરક્ષા જવાનો તથા છેલ્લી તસ્વીરમાં પૂ. ધર્મબંધુજી રાજકોટ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ અને રેન્જ આઇજી ડી.એન.પટેલ નજરે પડે છે. (તસ્વીર : કૃષ્ણકાંત ચોટાઇ, ઉપલેટા)

રાજકોટ તા. ૧૩ : પ્રાંસલામાં રાષ્ટ્રગાથા શિબિરમાં લાગેલી આગ મામલે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતની વિદ્યાર્થિની કૃપા સોલંકીએ ટેન્ટમાંથી લેમ્પ કાઢીને મોબાઈલ ચાર્જ કરવાનો પ્રયાસ કરતા આગ લાગી હતી. મોરબીની સમજુબા વિદ્યાલયની એક વિદ્યાર્થિનીએ જણાવ્યા અનુસાર, સમયસર પગલાં ન લેવાતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. એટલું જ નહીં, મૃતક કિશોરી કૃપાલીને ટેન્ટમાંથી બહાર કાઢી લેવાઈ હતી, પરંતુ તે સામાન લેવા પાછી અંદર જતાં તેનું મોત થયું હતું.

રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ૩૦ કિમી દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની મોડી રાત્રે શોટસર્કિટના કારણે અચાનક આગ લાગી ઊઠી હતી. આ દુર્ઘટનામાં ૬૦-૭૦ જેટલા ટેન્ટ બળીને ખાખ થયા છે જેમાં શિબિરમાં ભાગ લેવા આવેલ ત્રણ કિશોરી ભડથું થઇ ગઇ હતી.

આગજનીની આ ઘટનામાં ૧૫ જેટલી કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. સ્વામી ધર્મબંધુજી મહારાજ દ્વારા આયોજીત આ કેમ્પમાં ૧૦૦૦૦થી શિબિરાર્થીઓ હતા ત્યારે સ્થળ પર હાજર અર્ધલશ્કરી દળ, આર્મી અને નેવીના જવાનોની ત્વરીત કામગીરીથી મોટાભાગના શિબિરાર્થીઓનો બચાવ થયો હતો.

બનાવની જાણકારી મુજબ શુક્રવારની મોડી રાત્રેના જયાં વિદ્યાર્થિનીઓ સૂતી હતી ત્યાં શોટસર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આગ પર યુદ્ઘધોરણે કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે ગણતરીની મિનિટોમાં ૬૦ જેટલા કેમ્પ અને ૩૦૦ વિદ્યાર્થીઓનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ ઉપરાંત બચાવ કામગીરી કરતા આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. બનાવની જાણ થતાં રાજકોટના કલેકટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ મોડી રાત્રિના પ્રાંસલા પહોંચ્યા હતા.

ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા તેમજ આગના કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઇ હતી તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે ૧૦૮ સહિત ૪૦ જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાકીદે નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડી ઝડપથી સારવાર શરૂ કરાવવામાં આવી હતી.

આગના કારણે લગભગ એક કલાકથી વધુ અફરા-તફરીનો માહોલ રહ્યો હતો. આગ લાગતાંની સાથે જ કિશોરીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. જેથી આર્મીના જવાનોએ કિશોરીઓને સૌપ્રથમ તો સલામત સ્થળે ખસેડી હતી અને તેમનો ડર દૂર કરવા મોડી રાત્રે જ આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ પણ કર્યું હતું.

પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે ૧૦ હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધા બાદ મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓના ટેન્ટમાં આગ લાગી હતી.

પ્રાંસલામાં દરવર્ષે યોજાતી રાષ્ટ્રકથા શિબિરમાં યુવાઓમાં રાષ્ટ્રભાવન જાગે માટે જુદી જુદી ઇવેન્ટ યોજવામાં આવે છે. જેમાં આર્મી અને નેવીના જવાનો પણ ભાગ લે છે. ત્યારે ગત શુક્રવારથી શરૂ થયેલી શિબિરમાં પહેલાથી જ આર્મીના જવાનો ઉપસ્થિત હતા. જેથી આગ લાગતા જ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની અને ફસાયેલાઓને બચાવાની કામગીરી શરૂ કરી હતી. સ્થળ પર હાજર રહેલા લોકોનું કહેવું છે કે આર્મી અને નેવી જવાનોના કારણે જ મોટી જાનહાની ટળી હતી. ગુજરાત ઉપરાંત અલગ-અલગ રાજયોમાંથી પ્રાંસલા આવેલા ૧૦ હજારથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને રહેવા માટે હજારો ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. જે વિભાગમાં આગ લાગી હતી ત્યાં બાજુ-બાજુમાં જ ટેન્ટ હતા. જેથી ૬૦ ટેન્ટ ક્ષણભરમાં જ સળગી ગયા હતા. આથી આસપાસના ટેન્ટમાં ભારે ધુમાડો થતાં કેટલીક કિશોરીઓ ટેન્ટમાં જ ફસાઇ હતી. જેને જવાનોએ સલામત બહાર કાઢી હતી. રાત્રિનો સમય હોવાથી બચાવ કામગીરીમાં પણ થોડી બાધા આવી હતી.(૨૧.૩૦)

પ્રાંસલાની દુર્ઘટનામાં સાયલાના ધમરાસલા ગામની બાળાનું મોત થતા કોળી પરિવારમાં અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ :. ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામે જે આગની ઘટના બનવા પામેલ છે ત્યારે આગની લપેટમાં ત્રણ બાળાઓ આવી ગયેલ છે. જે ત્રણ બાળાઓના દાઝી જવાની ઘટનામાં મોત પણ નિપજ્યા છે.

ત્યારે જેમાની એક બાળા સાયલા તાલુકાના ધમરાસલા ગામની રહેવાસી છે અને જેનુ નામ વનિતાબેન સવસીભાઈ જમોડ (ઉ.વ. ૧૬) હોવાનું જાણવા મળે છે. મૃતક બાળાનો પરિવાર મજુર પરિવાર છે. ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળી રહ્યુ છે.(૨-૧૧)

 

(3:48 pm IST)