Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સિદ્ધુએ કહ્યું -ઇમરાનખાન મારા મોટા ભાઈ : પોતાના દીકરા-દીકરીને મોકલો બૉર્ડર:ગૌતમ ગંભીરનો પ્રહાર

નવી દિલ્હી :ઇમરાન ખાન મારા મોટા ભાઈ છે તેવા નવજોત સિંહ સિદ્ધુના નિવેદનથી વિવાદ ઉભો થયો છેનવજોત સિંહ સિદ્ધુ ફરી એક વખત વિવાદમાં ફસાયા છે ત્યારે પૂર્વ ક્રિકેટર અને ભાજપ પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે હવે આ વિવાદને લઇને જોરદાર પ્રહાર કર્યા છે.

ગૌતમ ગંભીરે શનિવારે સાંજે ટ્વિટ કરીને લખ્યું કે, પોતાના દીકરા કે દીકરીને બૉર્ડર મોકલો અને ત્યારે કોઈ આતંકી દેશના પ્રમુખને મોટા ભાઈ કહો.

  ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે પોતાના ટ્વિટમાં કોઈ નામ નથી લીધું, પરંતુ સ્પષ્ટ છે કે, તેમના નિશાને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ જ હતા.

આ વિવાદને લઇને જે નિવેદનબાજી થઇ છે, તેમાં ત્રણેય પૂર્વ ક્રિકેટર જ મુખ્ય પાત્ર છે. ઇમરાન ખાન પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે અને પોતાના દેશને વર્લ્ડકપ અપાવી ચૂક્યા છે.

નવજોત સિંહ સિદ્ધુ પણ પૂર્વ ક્રિકેટર છે, જે લાંબા સમયથી રાજનીતિમાં એક્ટિવ છે. ત્યારે, ગૌતમ ગંભીર પણ 2011 વર્લ્ડકપ વિનર ટીમના સભ્ય રહ્યા છે, જેમણે બાદમાં રાજનીતિ જોઈન કરી અને હવે દિલ્હીથી સાંસદ છે.

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, નવજોત સિંહ સિદ્ધુ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. પરંતુ તેમનો શરૂઆતથી જ વિવાદ સાથે સંબંધ રહ્યો છે. એજ કારણ છે કે નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર આટલો હોબાળો થઇ રહ્યો છે.

જોકે, નવજોત સિંહ સિદ્ધુ જ્યારે કરતારપુર બોર્ડર પહોંચ્યા, ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ઇમરાન ખાનની વાત થઈ, ત્યારે નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, તેઓ મારા મોટા ભાઈ છે, તેમણે મને ખુબ પ્રેમ આપ્યો. ભાજપના અમિત માલવીયએ આ વીડિયો શેર કર્યો, ત્યાર બાદ આના પર હડકંપ મચ્યો છે.

 

(12:34 am IST)