Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઈન્ટર્વ્યું પાસ કરી મેરીટમાં આવ્યા બાદ ૩૦ વર્ષે નોકરી

સરકારી નોકરી માટે લાંબી કાનુની લડાય બાદ વિજય : ગેરાલ્ડ જ્હોન ઈન્ટર્વ્યુમાં પાસ થયા, મેરિટમાં તેમનું નામ ટોપ પર હતું પરંતુ નોકરી તેમના બદલે બીજાને મળી હતી

દેહરાદૂન , તા.૨૦ : સરકારી નોકરીનું મોટાભાગના લોકોને આકર્ષણ હોય છે. જોકે, તેના માટે ઈન્ટર્વ્યુ પાસ કરી મેરિટમાં ટોપ પર આવ્યા બાદ પણ કોઈને ૩૦ વર્ષ સુધી નોકરી માટે રાહ જોવી પડી હોય તેવી ઘટના જવ્વલે જોવા મળતી હોય છે. પરંતુ આવું કંઈક ઉત્તરાખંડમાં રહેતા ગેરાલ્ડ જ્હોન નામના એક વ્યક્તિ સાથે થયું છે. જેમણે છેક ૧૯૮૯માં સરકારી સ્કૂલમાં શિક્ષકની ભરતીની એક જાહેરખબર જોઈ અરજી કરી હતી.

અરજી કરતી વખતે માત્ર ૨૪ વર્ષની ઉંમર ધરાવતા ગેરાલ્ડ જ્હોન ઈન્ટર્વ્યુમાં પાસ થયા હતા. મેરિટમાં તેમનું નામ ટોપ પર હતું. પરંતુ નોકરી તેમના બદલે બીજા કોઈને મળી ગઈ. આખરે ન્યાય મેળવવા માટે તેમણે ૧૯૯૦માં અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી. વર્ષ ૨૦૦૦માં ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશમાંથી છૂટું પડી ગયું, અને કેસ ઉત્તરાખંડ હાઈકોર્ટને ટ્રાન્સફર થયો. આખરે, ગેરાલ્ડ જ્હોન ૫૫ વર્ષના થયા ત્યારે ઉત્તરાખંડ હાઈકોર્ટે તેમની તરફેણમાં ચૂકાદો આપ્યો. જેમાં તેમને ૮૦ લાખ રૂપિયા વળતર ચૂકવવાની સાથે સ્કૂલમાં નોકરી આપવાનો આદેશ કરાયો હતો. વળતરની રકમમાંથી ઉત્તરાખંડ સરકારે તેમને ૭૩ લાખ ચૂકવી દીધા છે, પરંતુ સાત લાખ રૂપિયા તેમને યુપી સરકાર પાસેથી લેવાના છે, જે હજુ નથી મળી શક્યા.

હાલ તેઓ સ્કૂલમાં સૌથી સિનિયર શિક્ષક હોવાથી તેમને આચાર્યનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. પોતાની ૩૦ વર્ષ લાંબી કાયદાકીય કાર્યવાહી અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં ગેરાલ્ડ જ્હોને જણાવ્યું હતું કે મેરિટમાં ટોપ હોવા છતાંય પોતાને નોકરી ના મળતા તેમને આંચકો લાગ્યો હતો. અંગે તપાસ કરતા તેમને એવો જવાબ મળ્યો હતો કે શિક્ષકની નોકરી લેવા માટે સ્ટેનોગ્રાફીની જાણકારી હોવી જરૂરી છે, જે તેમની પાસે ના હોવાથી તેમને નોકરી નથી મળી શકી. જોકે, ભરતીની જાહેરાતમાં તો વાતનો ક્યાંય ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો. તે વખતે તેમને શંકા પડી હતી કે તેમના બદલે જેને નોકરી મળી છે તેણે નક્કી કોઈ ગોઠવણ કરી હોવી જોઈએ.

તેમણે હાઈકોર્ટમાં અપીલ કરવામાં જરાય વાર ના લગાડી, પરંતુ વર્ષ ૨૦૦૦ સુધીમાં કેસમાં ભાગ્યે કોઈ પ્રગતિ થઈ શકી હતી. આખરે, કેસ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ટ્રાન્સફર થઈ ગયો. ૨૦૦૭માં સિંગલ જજની બેન્ચે તેમની વિરૂદ્ધમાં ચૂકાદો આપ્યો હતો જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. મૂળ યુપીના ફર્રુખાબાદ જિલ્લાના રહેવાસી ગેરાલ્ડ જ્હોનનો કેસ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને સુપ્રીમ કોર્ટના વકીલ સલમાન ખુર્શિદ લડી રહ્યા હતા. તેમણે કેસ માટે કોઈ ફી પણ નહોતી લીધી. સુપ્રીમ કોર્ટમાં કેસ ૨૦૦૭થી ૨૦૧૦ સુધી રહ્યો. આખરે કોર્ટે તેમાં મેરિટ હોવાનું જણાવતા અરજદારને ઉત્તરાખંડ હાઈકોર્ટની ડબલ બેન્ચને અપીલ કરવા જણાવ્યું હતું.

દસ વર્ષ બાદ કેસ ફરી ઉત્તરાખંડ હાઈકોર્ટમાં આવ્યો, અને ડિસેમ્બર ૨૦૨૦માં કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો. આખરે જાન્યુઆરી ૨૦૨૧માં ગેરાલ્ડ જ્હોનને સીએનઆઈ બોય્ઝ ઈન્ટર કોલેજમાં નોકરી આપવામાં આવી અને એપ્રિલમાં તેમને પ્રિન્સિપાલનો ચાર્જ સોંપવામાં આવ્યો. કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું હતું કે અરજદારને ૧૯૮૯થી લઈ ૨૦૨૦ સુધી જેટલો પગાર મળવાને પાત્ર હતો તેની ૬૦ ટકા રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે. જો ગેરાલ્ડ જ્હોને નોકરી કરી હોત તો અત્યારસુધી તેમને .૨૫ કરોડ પગાર મળ્યો હોત પરંતુ તેની સામે તેમને ૮૦ લાખ ચૂકવવાનો આદેશ થયો હતો. ૨૦૨૫માં તેઓ ૬૦ વર્ષની વયે નિવૃત્ત થશે અને ત્યારબાદ તેઓ પેન્શન મેળવવાને પણ પાત્ર ઠરશે.

(7:11 pm IST)