Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પાકિસ્તાન સાથે મિત્રતા સિવાય કોઈ વિકલ્પ નથી : નવજોત સિધ્ધુ

ઈમરાન ખાનને મોટા ભાઈ ગણાવી સિધ્ધુએ ફરી વિવાદ છેડ્યો : હાલમાં આપણે મુંદ્રા પોર્ટથી ૨૧૦૦ કિમીનું અંતર કાપીને જઇએ છે, પંજાબથી પાકિસ્તાનનું અંતર માત્ર ૨૧ કિમી, સરહદો ખોલવા કોંગ્રેસની નેતાની લાગણી

ચંદીગઢ , તા.૨૦ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને મોટા ભાઇ ગણાવીને પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર નિશાના પર આવી ગયા છે. હવે તેમણે કરતારપુર સાહિબ બોર્ડરને ફરીવાર ખોલવાનો શ્રેય પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. પરંતુ દરમિયાન તેમણે એમ પણ કહી દીધુ કે, ભારત પાસે પાકિસ્તાન સાથે દોસ્તી કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

ગુરદાસપુરમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના પ્રયત્નથી કરતારપુર સાહિબ કોરિડોર ફરીવાર ખુલી શક્યો છે.

સિદ્ધુએ એમ પણ કહ્યું કે, જો પંજાબના લોકોનું જીવન બદલવા ઇચ્છો છો તો વેપાર માટે સરહદો ખોલી દેવી જોઇએ. હાલમાં આપણે મુંદ્રા પોર્ટથી ૨૧૦૦ કિમીનું અંતર કાપીને જઇ રહ્યા છે. જ્યારે પંજાબથી પાકિસ્તાનનું અંતર માત્ર ૨૧ કિમી છે. પાકિસ્તાન સાથે મિત્રતાનો એકમાત્ર વિકલ્પ અને પીએમ ઇમરાન ખાનને મોટા ભાઇ કહેનારા નવજોત સિંહ સિદ્ધુ નિવેદન આપીને ઘેરાઇ ગયા છે. તેમના નિવેદનનો રાજકીય પક્ષો સહિત લોકો વિરોધ કરી રહ્યા છે. જોકે પંજાબના મંત્રી પરગટ સિંહ હવે સિદ્ધુના બચાવમાં આવ્યા છે. તેમનું કહેવુ છે કે, ભારતના વડાપ્રધાન મોદી પાકિસ્તાન જાય તો તેઓ દેશપ્રેમી બની જાય છે અને નવજોત સિંહ જાય તો દેશદ્રોહી કેવી રીતે બની જાય છે.

(7:04 pm IST)