Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

લગ્ન પહેલાં 'સ્ત્રીને અશ્લીલ મેસેજ' મોકલવા એ કોઈની ગરિમાનું અપમાન ન હોઈ શકેઃ મુંબઈની સેશન કોર્ટનો ચુકાદો

કોર્ટએ જણાવ્યું કે લગ્ન પહેલા મંગેતરને મોકલવામાં આવતા આવા મેસેજો એકબીજાની લાગણીઓને સમજવા અને ખુશીઓ માટે ગણી શકાય

નવી દિલ્હી: આજકાલ કોર્ટ દ્વારા એવા અનેક કિસ્સાઓમાં અજીબોગરીબ નિર્ણયના કારણે ચર્ચાનો વિષય બને છે. આજની 21મી સદીમાં જો તમે તમારી થનાર પત્નીને અશ્લીલ મેસેજ કરો તો શું થાય? મુંબઈની એક અદાલતે લગ્નના વચન પર બળાત્કારના કેસમાં એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરતાં જણાવ્યું છે કે લગ્ન પહેલાં 'સ્ત્રીને અશ્લીલ મેસેજ'  મોકલવા એ કોઈની ગરિમાનું અપમાન ન હોઈ શકે. મુંબઈની એક સેશન કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે લગ્ન પહેલા મંગેતરને મોકલવામાં આવતા આવા મેસેજો એકબીજાની લાગણીઓને સમજવા અને ખુશીઓ માટે ગણી શકાય.

તમને જણાવી દઈએ કે, એક 36 વર્ષીય વ્યક્તિ પર 11 વર્ષ પહેલા તેની મંગેતરે લગ્નનું વચન આપીને રેપનો આરોપ લગાવ્યો હતો અને ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બીજાને પસંદ ન કરે તો તે તેનો અધિકાર છે કે તે તેની નારાજગી સામેની વ્યક્તિને જણાવી દે અને સામે પક્ષે આવી ભૂલથી બચવું જોઈએ. આ મેસેજોનો હેતુ મંગેતરની સામે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરવાનો, સેક્સની લાગણી જગાડવો વગેરે હોઈ શકે છે, આ મેસેજો મંગેતરને ખુશ પણ કરી શકે છે. પરંતુ એવું ન કહી શકાય કે આવા એસએમએસ કોઈની સાથે લગ્ન કરવા જઈ રહેલી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાએ 2010માં એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ યુગલ 2007માં લગ્નની એક સાઈટ પર મળ્યું હતું. યુવકની માતા આ લગ્ન વિરુદ્ધ હતી. 2010માં યુવકે યુવતીની સાથે રિલેશન પુરું કરી નાખ્યું હતું. કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કરતા જણાવ્યું કે લગ્નનું વચન આપીને ફરી જવું છેતરપિંડી કે રેપ ગણી શકાય નહીં.

કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે યુવક એક આર્ય સમાજ હોલમાં મંગળસૂત્ર સાથે ગયો હતો. પરંતુ લગ્ન પછી ઝઘડા અને તેના પછીની સ્થિતિઓના કારણે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો અને પોતાની માતા આગળ સરેન્ડર કર્યું હતું. યુવકે પોતાની માતાની ઈચ્છાનું માન રાખતા સમસ્યાનો સામનો કરવાના બદલે તેનાથી બચવાનું વિચાર્યું હતું. યુવક પોતાની માતા આગળ યોગ્ય રીતે પરિસ્થિતિનું સમાધાન શોધી શક્યો નહોતો અને પાછો ફર્યો હતો. આ લગ્નના ખોટા વચનનો કેસ નથી. આ કેસ પ્રયાસોને યોગ્ય રીતે નહીં કરવાનો છે.

(4:53 pm IST)