Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ત્રીજી ટી20 મેચમાં સીનિયર ખેલાડીઓને આરામ આપીને અય્યરે કેપ્ટન બનવું જોઈએઃ કોંગ્રેસ નેતા શશિ થરૂર

થરૂરે ટ્વીટ કર્યું… ભારતને ટી20 સીરિઝ જીતતું જોઈ સારું લાગ્યું. આગામી મેચ માટે આપણે તે તમામ લોકોને આરામ આપવો જઈએ જેમણે પોતાનું પ્રદર્શન સારી રીતે કર્યું છે

નવી દિલ્હી: ટી20 સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને સાત વિકેટે કારમી હાર આપી દીધી છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. શુક્રવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં રોહિત બ્રિગેડે ક્લીન સ્વીપ કરી લીધી છે. રાંચીમાં શુક્રવારે રમાયેલી મેચમાં ભારતીય ફેન્સનો જોશ જોવા લાયક હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પણ મેચની મઝા માણવા માટે  સ્ટેડિયમ પહોંચ્યા હતા.

ટીમ ઈન્ડિયાની જીત પછી શશિ થરૂર ઘણા પ્રસન્ન જોવા મળ્યા અને તેમણે આગામી મેચને લઈને એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. શશિ થરૂરનું માનવું છે કે ત્રીજી ટી20 મેચમાં સીનિયર ખેલાડીઓને આરામ આપીને અય્યરે કેપ્ટન બનવું જોઈએ.

થરૂરે ટ્વીટ કર્યું, ભારતને ટી20 સીરિઝ જીતતું જોઈ સારું લાગ્યું. આગામી મેચ માટે આપણે તે તમામ લોકોને આરામ આપવો જઈએ જેમણે પોતાનું પ્રદર્શન સારી રીતે કર્યું છે. જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરને આરામ મળે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં અન્ય ખેલાડીઓએ પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળવો જોઈએ.

65 વર્ષના શશિ થરૂર તે કોંગ્રેસી નેતાઓમાં સામેલ છે, જે ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે. જોકે, તેમના ઘણા નિવેદનોએ કોંગ્રેસ પાર્ટીને મોટી મુશ્કેલીમાં મૂકી છે. 2006માં થરૂર એ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે ભારતીય રાજનીતિમાં શરૂઆત કરતા કોંગ્રેસના સભ્ય બન્યા હતા.

શશિ થરૂરે  વર્ષ 2009માં તિરૂઅનંતપુરમથી પોતાની પહેલી લોકસભા ચૂંટણી લડી અને તેમાં જીત હાંસલ કરી. ત્યારબાદ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં પણ થરૂર વિજયી બન્યા હતા. 2009માં મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં શશિ થરૂરને કેન્દ્રિય વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તે 2012-14 સુધી માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી પણ હતા.

કેએલ-રોહિતની ધમાકેદાર ઈનિંગ

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ભારતીય ટીમે 16 બોલ બાકી રહેતા નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કરી લીધો. ભારતની જીતમાં રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. રોહિત 36 બોલમાં 55 રન બનાવ્યા હતા, જેમાં પાંચ સિક્સર અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે કેએલ રાહુલે 49 બોલમાં 6 સિક્સર અને બે ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા.

(4:52 pm IST)