Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ચીનની સ્ટાર ટેનિસ ખેલાડી અને ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝાની પૂર્વ જોડીદાર પેંગ શુઆઈએ પોતાના દેશના એક મોટા નેતા પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યા પછી ગુમ

જોકે, પોતાના સુરક્ષિત હોવાનો દાવો કરતા તેમના ઈ-મેલથી સુરક્ષાને લઈને હવે ચિંતા વધી ગઈઃ વિશ્વભરના ખેલાડીઓ આ ચીની ખેલાડીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે

બીઝિંગ: છેલ્લાં કેટલાક દિવસોથી ચીનની સ્ટાર ટેનિસ ખેલાડી અને ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝાની પૂર્વ જોડીદાર પેંગ શુઆઈએ પોતાના દેશના એક મોટા નેતા પર શારીરિક શોષણનો આરોગ લગાવ્યો હતો, ત્યારથી તેઓ ગુમ છે. જોકે, પોતાના સુરક્ષિત હોવાનો દાવો કરતા તેમના ઈ-મેલથી સુરક્ષાને લઈને હવે ચિંતા વધી ગઈ છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયને તો આ સમગ્ર વિવાદની કંઈ ખબર જ નથી. વિશ્વભરના ખેલાડીઓ આ ચીની ખેલાડીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

જોકે લગભગ 2 અઠવાડિયા પહેલા ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ યુગલ ચેમ્પિયન પેંગ શુઆઈએ આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ઝાંગ ગાઓલીએ તેનું યૌન શોષણ કર્યું હતું. પેંગે આક્ષેપો કર્યાના થોડા સમય પછી એક ઈમેલ મોકલ્યો અને જણાવ્યું હતું કે તે સુરક્ષિત છે અને ઉત્પીડનના આરોપો ખોટા છે. તેના પર મહિલા ટેનિસ સંઘના સીઈઓ અને પ્રેસિડેન્ટ સ્ટીવ સાઈમન મોકલેલા ઈમેલની માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે.

ચીન પાસેથી છીનવાઈ શકે છે ટૂર્નામેન્ટની યજમાની

ચીનના સરકારી પ્રસારક સીસીટીવીની આંતરરાષ્ટ્રીય એકમ સીજીટીએન એ આ ઈમેલ પોસ્ટ કર્યો. સાઈમને જણાવ્યું છે કે મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે પેંગ શુઆઈએ જાતે ઈમેલ કર્યો છે. આ સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરી છે. સાઈમનને વધુમાં જણાવ્યું હતું કે જો યોગ્ય જવાબ નહીં મળે તો ચીન પાસેથી ટૂર્નામેન્ટની મેજબાની છીનવાઈ શકે છે. આ ઘટના વિશે પુછવામાં આવ્યું તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયનને જણાવ્યું કે આ કેસ રાજનૈતિક પ્રશ્ન નથી અને તેમણે સ્થિતિની જાણકારી નથી. પેંગના ગુમ થવા પર સોશિયલ મીડિયા પર વેયર ઈઝ પેંગ શુઆઈ ટ્રેન્ડ કરી રહ્યું છે. નાઓમી ઓસાકા, નોવાક જોકોવિચ, સેરેના વિલિયમ્સે પણ આ મામલે ટ્વીટ કર્યું છે.

સેરેનાએ લખ્યું છે કે, તે આ સમાચારથી હેરાન અને દુખી છે. તેમણે જણાવ્યું કે આપણે ચૂપ રહેવું જોઈએ નહીં. આ ઘટનાની તપાસ થવી જોઈએ. જ્યારે આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘની પ્રવક્તા હીથર બોલર એ જણાવ્યું હતું કે, તેઓ ચીની ટેનિસ સંઘના સંપર્કમાં છે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિ સાથે પણ વાત કરવામાં આવી રહી છે. પેંગ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની જોડીદાર પણ રહી ચૂકી છે અને તેણે સાનિયા વિરુદ્ધ પણ ઘણા મુકાબલા રમ્યા છે. 2017માં ચાઈના ઓપનમાં પેંગ અને સાનિયાની જોડી સેમીફાઈનલ સુધી પહોંચી હતી.

(4:39 pm IST)