Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ભાજપમાં જુથબંધી નથીઃ તમામ કાર્યકરો પક્ષને સમર્પિત : રાજકોટના બધા પ્રોજેકટો સમયસર પૂર્ણ થશે

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 'અકિલા'ની શુભેચ્છા મુલાકાતેઃ પક્ષમાં કોને ટિકીટ આપવી કે કોને નહિ એ નિર્ણય પક્ષનું પાર્લામેન્ટરી બોર્ડ લેશે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારના હૈયે ખેડૂતોનું હિતઃ કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે સરકાર કટીબદ્ધઃ ભાજપ સંગઠીત પક્ષ છેઃ કાર્યકરોને માંગ્યા વગર ઘણુ મળતુ હોય છેઃ મોદી-શાહે મજબુત પાયો નાખ્યો હતોઃ ૪૧ જિલ્લાઅો - મહાનગરોમાં ભાજપની સ્થિતિ મજબૂત ગુજરાતમાં રોજગારીની ભરપૂર તકો હોવાથી અન્ય રાજ્યોના લોકો અહીં રોજગાર માટે આવે છે રાજકોટવાસીઓ હંમેશા ભાજપ સાથે રહ્યા છે અને રહેશેઃ રાજકોટની પ્રગતિ અટકવાની નથી

ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. સવારે રાજકોટમાં આગમન બાદ તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને પછી તેઓ 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા અને અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા સાથે અનેકવિધ બાબતોની ચર્ચા-વિચારણા કરી હતી. સ્પષ્ટવકતા અને ધાર્યા પરિણામો લાવવાની તાકાત ધરાવતા ભાજપના પ્રદેશ પ્રમુખનું સૌ પહેલા અકિલા કાર્યાલય ખાતે અકિલાની પરંપરા અનુસાર કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. એટલુ જ નહિ નિમિષભાઈ ગણાત્રા દ્વારા તેમને ફુલહાર પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓએ રસપૂર્વક અકિલા કાર્યાલયની વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી એટલુ જ નહિં અકિલાની બહારગામની આવૃતિનું પઠન પણ કર્યુ હતું. અકિલાની મુલાકાત દરમિયાન તેઓએ અકિલાના મશીનરી વિભાગની પણ મુલાકાત લઈ અકિલા દૈનિકના સ્વદેશી અભિગમને વખાણ્યો હતો. પોતાના વ્યસ્ત સમય વચ્ચે અકિલા કાર્યાલય ખાતે લગભગ ૪૫ મિનીટના રોકાણ દરમિયાન તેઓએ અકિલાના યુવા ધરોહર નિમિષભાઈ ગણાત્રા સાથે વિચારોની આપ-લે કરી અકિલા દૈનિક અને તેની ઈન્ટરનેટ આવૃતિની તમામ વિગતો રસપૂર્વક મેળવી હતી એટલુ જ નહિં અકિલાની પ્રગતિ અને તેની કામગીરીને બિરદાવી હતી. તેમની આ મુલાકાત વેળાએ રાજ્યના મંત્રી મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, શહેર ભાજપના વિવિધ હોદેદારો, કાર્યકરો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તેઓએ અકિલા દૈનિકની વધુ પ્રગતિ માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં તેઓ અલગ અલગ મુદ્રામાં શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજીતભાઈ ગણાત્રા અને શ્રી નિમિષભાઈ ગણાત્રા સાથે દ્રષ્ટિગોચર થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ :. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી.આર. પાટીલ) હાલ સમગ્ર ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે આજે તેઓ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની મુલાકાતે આવ્યા છે અને એ દરમિયાન સવારે તેમણે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગુજરાતની રાજનીતિ, આગામી વિધાનસભાની ચૂંટણી, પ્રજાને સ્પર્શતા પ્રશ્નો સહિતની બાબતો અંગે ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતે ચૂંટાવાનો વિક્રમ નોંધાવનાર અને પોતાની કામકાજની આગાવી શૈલી તથા અગ્રેસીવ વર્કિંગ સ્ટાઈલ માટે જાણીતા એવા સી.આર. પાટીલ સતત દોડતા અને કામ કરતા પ્રદેશ પ્રમુખ તરીકેની ઓળખ ધરાવે છે. તેમના શિરે 'મિશન ૨૦૨૨'ની ચૂંટણીની જવાબદારી છે અને તેઓ અત્યારથી તે માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને પક્ષના નાનામાં નાના કાર્યકરથી માંડીને આમ જનતા સુધી પહોંચવાનો પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સૌ પહેલીવાર અકિલાના મહેમાન બનેલા સી.આર. પાટીલ સાથેની 'અકિલા'ની વાતચીત નીચે મુજબ છે.

વાતચીતના પ્રારંભે તેમણે જણાવ્યુ હતુ કે હાલ ભાજપના સ્નેહમિલનનો કાર્યક્રમ વિવિધ જિલ્લાઓમાં ચાલી રહ્યો છે અને તેને તમામ સ્તરે પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. ગામેગામ કાર્યકરો અને લોકોને મળી રહ્યો છું. તેમણે ઉમેર્યુ હતુ કે, નરેન્દ્ર મોદી સાહેબે જે ગુજરાતમાં સંગઠનનું જે કામ કર્યુ હતુ તે અત્યંત મજબૂત કાર્ય હતુ અને અભૂતપૂર્વ લોખંડી પાયો નાખ્યો હતો. તે પછી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહે જે રીતે કામને અને સંગઠનને સિંચવામાં આવ્યુ હતુ તેના પરિણામ આજે ૪૧ જિલ્લાઓ અને મહાનગરોમાં જોવા મળી રહ્યા છે. સર્વત્ર ભાજપનું સંગઠન મજબૂત જોવા મળી રહ્યુ છે.

એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતુ કે, વિકાસ દરેકને સ્પર્શતી બાબત છે. રામ મંદિરનો મુદ્દો દરેક ભારતવાસીઓના અપેક્ષા હતી તે મોદી સાહેબે પૂર્ણ કર્યો છે. ૩૭૦ની કલમ અંગે પણ લોકોની અપેક્ષા હતી તે પૂર્ણ થઈ છે. આજે કાશ્મીરના લોકો પણ ખૂબ ખુશ છે. ખેડૂતોના પ્રશ્નો છે તે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેડૂતોની આવક ૯૦૦૦ કરોડ રૂ. હતી તે વધારીને દોઢ લાખ કરોડ કરી એટલુ જ નહિ તેમણે ખેતીને પણ ઉત્તેજન આપ્યુ અને તેમા ટેકનોલોજી ઉમેરી એટલુ જ ગામેગામ ખેડૂત રથ પણ દોડાવ્યા અને એટલુ જ નહિ વધુ કૃષિ ઉપજ માટે નિષ્ણાંતોની સેવા પણ લીધી. પુરતુ બિયારણ, ખાતર મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. કૃષિ ક્ષેત્રે વિકાસ ૧૦ ટકા સુધી લઈ ગયા. પીએમ બન્યા પછી તેમણે અનેક યોજનાઓ બનાવી દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે ૬૦૦૦ રૂ. આપવામાં આવે છે. નાના ખેડૂતોને લાભ અપાવ્યો છે. ૧૦ કરોડ ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી રહ્યા છે. આવતા દિવસોમાં ખેડૂતોને વધુ સમૃદ્ધ બનાવવાની તેમની ઈચ્છા ફળીભૂત થવાની છે.

એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં જેમને કામ કરવુ છે તેમને કામ મળે જ છે. બેરોજગારીનો દર ગુજરાતમાં ઘણો ઓછો છે. ગુજરાત બહારના લોકો કોરોના પછી પણ ગુજરાતમાં કામ કરી રહ્યા છે. અહીં રોજગારી છે એટલા માટે દેશભરમાંથી શ્રમિકો અહી આવી રહ્યા છે.

અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરોમાં એક વાત સ્પષ્ટ હોય છે કે તેમને જે કંઈ મળે છે તે માંગ્યા વગર મળે છે. તેમને મેરીટ ઉપર પક્ષના આગેવાનો નક્કી કરે છે અને તક આપે છે. નવો પ્રયોગ કરવા નવી કેડર અને પરિવર્તનનો નિર્ણય લેવાય છે ત્યારે પણ બધા ખસીને જગ્યા કરી આપતા હોય છે. દેશના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પ્રયોગ થયો અને કોઈ નારાજગી થઈ નથી. શાંતિપૂર્વક પરિવર્તન થયુ આ માટે બધા કાર્યકરોને હું અભિનંદન આપુ છુ અને બધાએ મોદી સાહેબના નિર્ણયને એક   અવાજે વધાવી લીધો.

એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ કોને આપવી અને કોને ન આપવી ? તેનો નિર્ણય હાઈકમાન્ડ લેતુ હોય છે. મારો પણ તેમા ફાળો હોતો નથી. સમગ્ર પ્રક્રિયા હાઈકમાન્ડ નક્કી કરતુ હોય છે. જેને ટિકીટ મળશે તે લડશે પરંતુ આજની તારીખે કોઈએ ટિકીટ માટે કાવાદાવા કરવા ન જોઈએ કે અડચણો ઉભી ન કરવી જોઈએ.

ખેડૂતોના આપઘાતના સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, અગાઉ ખેડૂતો પાસે ખેતી વધુ હતી બાદમાં ખેડૂતોના ભાગ પડતા તેમના ભાગે ઓછી જમીન આવી હોય તેઓ સીમાંત ખેડૂત તરીકે રહી ગયા તેમની આવક ઓછી રહી તેથી જ મોદી સાહેબે ખેડૂતોની આવક વધારવા પ્રયાસ કર્યા. ખેડૂતોને વધારાની આવક મળે તે માટે પણ પ્રયાસ થવા જોઈએ.

વિજયભાઈ અને ભૂપેન્દ્રભાઈની કામગીરીનો શું તફાવત દેખાય છે ? તેવા સવાલના જવાબમાં સી.આર. પાટીલે કહ્યુ હતુ કે, બન્ને ખૂબ સારા છે અને બન્ને પાસે વહીવટી અનુભવ છે. વિજયભાઈએ અનેક હોદ્દાઓ ઉપર કામ કર્યુ છે, જ્યારે ભૂપેન્દ્રભાઈએ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે રહ્યા હતા. ઔડાના ચેરમેન પણ રહ્યા હતા. તેમની પાસે પણ અનુભવ છે અને તેમના અનુભવનો લાભ પ્રજાને મળશે.

૩થી વધુ વખત ચૂંટાયેલાઓને ટિકીટ મળશે કે નહિ ? તેવા એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે તમામ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેતુ હોય છે મારી પાસે તેમનો જવાબ મળવો મુશ્કેલ છે. પ્રદેશ કક્ષાએ કોઈ અધિકાર હોતો નથી.

કૃષિ કાયદા અંગેના એક સવાલના જવાબમાં સી.આર. પાટીલે કહ્યુ હતુ કે કેટલીક વખત લોજીકને સમય કરતા પહેલા જાહેર કરવાથી નુકશાન થતુ હોય છે તેથી દેશના હિત માટે ખેડૂતોના હિત માટે તેઓએ નિર્ણય લીધો છે.

ભાજપમાં પ્રવર્તતી જૂથબંધી અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, કોઈપણ રાજકીય પક્ષમાં નાનુ મોટુ જુથ બની જતુ હોય છે, પરંતુ ભાજપના કાર્યકરો પણ એ સ્પષ્ટપણે પક્ષ તરફ તેમની વફાદારી છે. કોઈપણ કાર્યકરે અણગમો વ્યકત કર્યો નથી. સંગઠન મજબૂત છે. જુથબંધી જેવુ કંઈ છે જ નહિ.

કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્ય આવવા ઈચ્છે તો લેશો કે નહિં ? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે આ નિર્ણય હાઈકમાન્ડ કક્ષાએ લેવાનો હોય છે. કેન્દ્રીય બોર્ડ નિર્ણય લેતી હોય છે મારા અધિકારની વાત નથી.

તેમને જ્યારે પુછાયુ કે આપ આજે રાજકોટ આવ્યા છો અકિલાના માધ્યમથી ભાજપના કાર્યકરો અને પ્રજાને શું સંદેશો આપવા ઈચ્છો છો તો તેમણે કહ્યુ હતુ કે રાજકોટવાસીઓને અકિલાના માધ્યમથી જણાવવા માંગુ છું કે, અકિલા દ્વારા સતત સમસ્યાઓના નિરાકરણ થાય છે અને સમાજમાં જાગૃતિ લાવવા અકિલાએ કદિ પાછી પાની કરી નથી. અકિલાએ કદી કોઈને શેહશરમ રાખી નથી, અકિલા ભાજપ સાથે રહ્યુ છે તે બદલ અકિલાનો આભાર માનુ છું. રાજકોટની એકધારી પ્રગતિ થઈ રહી છે. રાજકોટના લોકો ભાજપ સાથે રહ્યા છે તે બદલ હું રાજકોટવાસીઓનો આભાર માનું છું. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજકોટના મહત્વના પ્રોજેકેટો જેમ કે એરપોર્ટ અને એઈમ્સ જેવા પ્રોજેકેટો વિજયભાઈ જતા અભેરાઈએ ચડી જશે તો તે વાત ખોટી છે. આવુ કોઈ કહેતુ હોય તો તે અફવા છે. રાજકોટની પ્રગતિ અટકવાની નથી. રાજકોટના પ્રોજેકટો સમયસર પૂર્ણ કરવા ભાજપ અને ભાજપની સરકાર કટીબદ્ધ છે.

આ પ્રસંગે સી.આર.પાટીલ, મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ,  ઉદય કાનગડ, પ્રદિપ ડવ, રાજુ ધ્રુવ, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, લાખાભાઇ સાગઠિયા, ભરત બોઘરા, વિનોદ ચાવડા, જીતુ કોઠારી, પ્રશાંત કોરાટ, હરેશ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)