Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

નરેન્દ્રભાઈ આજે લખનૌની મુલાકાતે : DGP કોન્ફરન્સમાં આંતરિક સુરક્ષા માટે તૈયાર કરશે રણનીતિ

 લખનૌ,તા.૨૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ શુક્રવારે રાત્રે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં DGP કોન્ફરન્સમાં ભાગ લેવા માટે લખનૌ પહોંચ્યા હતા, એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  સહિત અનેક નેતાઓએ સ્વાગત કર્યું. પીએમ મોદી રાત્રિના આરામ માટે એરપોર્ટથી સીધા રાજભવન પહોંચ્યા અને રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું. મોદીએ રાજભવન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી શુક્રવારે યુપીના બુંદેલખંડ પ્રદેશના  પ્રવાસે હતા. જ્યાં તેમણે ઝાંસી અને મહોબામાં ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, પીએમ મોદી આજે ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેશે  અને ત્યાં પોલીસ અધિકારીઓને સંબોધિત કરીને તેઓ દેશની સામે સુરક્ષાને લઈને ઉભી થયેલી સમસ્યાઓ પર મંથન કરશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી ડો.દિનેશ શર્મા, કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ,  પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહ અને કાયદા મંત્રી બ્રજેશ પાઠક શુક્રવારે વડાપ્રધાનનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા અને આ નેતાઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું.

 જો કે, શુક્રવારે બપોરે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લખનૌ પહોંચ્યા ત્યારે નાયબ મુખ્ય પ્રધાન ડૉ દિનેશ શર્મા, નાણા પ્રધાન સુરેશ ખન્ના, કાયદા અને ન્યાય પ્રધાન બ્રજેશ પાઠકે તેમનું સ્વાગત કર્યું હતું. વાસ્તવમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ પીએમ મોદીના કાર્યક્રમ માટે ઝાંસી અને મહોબા ગયા હતા.

 આજે પીએમ મોદી ડીજીપી કોન્ફરન્સમાં સવારના સત્રમાં હાજરી આપશે. પીએમ મોદી ત્યાં અધિકારીઓ સાથે સુરક્ષા અંગે વાત કરશે અને સાંજે તેઓ પોલીસ અધિકારીઓ સાથે ડિનર લેશે. જો કે આ દરમિયાન પીએમ મોદી થોડા સમય માટે રાજભવન પરત આવશે. રાત્રે ડિનર કર્યા બાદ પીએમ મોદી રાજભવન ખાતે આરામ કરશે અને ત્યારબાદ આવતીકાલે દિલ્હી પરત જશે.

તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ રવિવાર સુધી લખનૌમાં હાજર રહેશે. તેઓ ડીજીપી કોન્ફરન્સના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે. અમિત શાહ શુક્રવારે લખનઉ પહોંચ્યા અને ડીજીપી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ.  યુપીની રાજધાની લખનૌમાં પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શુક્રવારથી શરૂ થયેલી ડીજીપી કોન્ફરન્સ યુપીની રાજધાની લખનૌમાં પ્રથમવાર યોજાઈ રહી છે. કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા મહેમાનોને ત્રણ વિશેષ ગેસ્ટ હાઉસ અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, IB અને CBIના ડિરેકટરો ત્રણેય દિવસ સુધી હાજરી આપશે. 

(12:59 pm IST)