Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી : ૧૭ના મોત

૧૦૦થી વધુ લોકો ગુમ હોવાની આશંકા : NDRF, SDRF સહિતની ટીમો દ્વારા યુધ્ધના ધોરણે રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું : પૂરના પાણીમાં ફસાઇ ગયેલી ૩ બસોમાંથી ૧૨ લોકોના તણાઇ જવાને કારણે મોત નિપજ્યા

હૈદ્રાબાદ તા. ૨૦ : આંધ્ર પ્રદેશમાં ગઇકાલે રાયલસીમાના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ આવેલાં પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ૧૭ લોકોનાં મોત નિપજયા છે, જયારે ૧૦૦થી વધારે લોકો ગુમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે આંધ્ર પ્રદેશમાં આ પ્રલય આવ્યો હતો.
ચેયુરી નદીનું પાણી અન્નામયા પ્રોજેક્ટને પાર કરી દેવાને રાજામ્પેટ વિધાનસભા ક્ષેત્ર અને કડાપા જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજામ્પેટ મંડાલના રામપુરમમાં મુસાફરોને લઈ જઈ રહેલી આંધ્ર પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટની બસો ફસાઈ ગઈ હતી. જો કે, ફાયર વિભાગ દ્વારા મોટા ભાગના મુસાફરો અને બસના સ્ટાફને બચાવી લેવામાં આવ્યા હતા. પણ ૧૨ લોકો કે જેઓ નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા, તેઓની લાશ રાજામ્પેટના અલગ-અલગ વિસ્તારોમાંથી મળી આવી હતી. અધિકારીઓને ગંડલુરૂ પાસેથી ૭ ડેડબોડી મળી આવી હતી, જયારે રાયવરમ પાસેથી વધુ ૩ લોકોની ડેડબોડી અને મંડપલ્લી પાસેથી ૨ વ્યક્તિઓની લાશ મળી આવી હતી.
રાજામ્પેટ મંડાલના મંડપલ્લી, અકેપાડુ, નંદલુરૂ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં ૩૦ વ્યક્તિઓ તણાઈ ગયા હતા અને અધિકારીઓ દ્વારા તેમને રેસ્ક્યુ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પૂરને કારણે નેશનલ હાઈ વે અને રેલવે ટ્રેક ધોવાઈ જવાને કારણે તિરુપતિ અને કડાપા વચ્ચેનો રોડ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.
કડાપા એરપોર્ટને ૨૫ નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. સાઉંથ સેન્ટ્રલ રેલવે દ્વારા નંદલુરુ અને રાજામ્પેટ રૂટની ૧૦ જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ ઉંપરાંત આંધ્ર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા તિરૂપતિ-કડાપા, તિરૂપતિ-પિલેર-રાજામ્પેટ સહિતની અન્ય રૂટ પરની બસ સર્વિસને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
આ ઉંપરાંત કુરનુલમાં અબ્બાસ નગરના રહેવાસી એવાં પતિ અને પત્ની કે જેઓ કેસી કેનાલની પાસે ધાર્મિક વિધિ માટે ગયા હતા તેઓ પણ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેઓની લાશ પાડિડમ્પદુમાંથી મળી આવી હતી. આ ઉંપરાંત સતત પાણીની આવકને કારણે તુંગાભાદ્રા નદીના ૧૨ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. ૩૯ વર્ષોમાં પ્રથમ વખત નવેમ્બર મહિનામાં તુંગાભાદ્રા ડેમ ઓવરફલો થયો છે. આ ઉંપરાંત ચિત્તુર જિલ્લામાં ૨ વ્યક્તિઓનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ સહિતના વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

(11:39 am IST)