Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અરે વાહ... ભારતમાં યુરોપ જેવી ગંભીર લહેરની શકયતા નથી

નિષ્ણાતોએ હૈયે ટાઢક વળે તેવી ભવિષ્યવાણી કરીઃ દેશ ઉપરથી ત્રીજી લહેરનો ખતરો ટળ્યાનું પણ જણાવ્યું : દેશમાં હાઇ એન્ટીબોડી લેવલે ડેલ્ટા વેરિયન્ટ પર બ્રેક મારવાનું કામ કર્યુ

પુણે, તા.૨૦: દુનિયાભરના જીનોમ સિકવન્સિંગમાં ડેલ્ટા ૯૯.૫ ટકા ભાગ ધરાવે છે ત્યારે ભારતમાં તેનો ઉદ્બવ ડિસેમ્બર ૨૦૨૦ની શરૂઆતમાં થયો હતો. આગામી ૬ મહિના સુધી કોરોનાનો આ વેરિયંટ અહીંની ગીચ વસ્તીમાં ભયંકર ગતિથી ફેલાયો હતો. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે, યુરોપ હાલ જે અનુભવી રહ્યું છે તેવી ડેલ્ટાની ગંભીર વેવની ગતિ ભારતમાં અટકી ગઈ છે, તેમ નિષ્ણાતોનું કહેવું છે.

AY.4.2 સ્ટ્રેન સહિતના હાલ પ્રવર્તી રહેલા મોટાભાગના વેરિયંટ ડેલ્ટાના વંશજ છે અને તેની સામે ભારતીયો મહદઅંશે સુરક્ષિત રહી શકશે કારણકે ભૂતકાળમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એપિડેમિલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ ડિવિઝનના પૂર્વ હેડ અને જાણીતા એપિડેમિલોજીસ્ટ રામન ગંગાખેડેકરે કહ્યું, AY.4.2 સ્ટ્રેન ડેલ્ટા સ્ટ્રેનનો વંશ છે. આ સ્ટ્રેન વધુ મુશ્કેલીઓ ઊભી કરશે તેવું લાગતું નથી. મહત્વનું છે કે, રામન ગંગાખેડેકર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ૨૬ સભ્યોની એકસપર્ટ ટીમના ભાગ છે જેઓ SARS-CoV-2 જેવા પેથોજનની ઉત્પત્તિની તપાસ કરે છે.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અતિ ગંભીર હશે તેવું માનવામાં આવતું હતું પરંતુ તેનો ખતરો હાલ ટળી ગયો હોય તેમ લાગે છે. જો ત્રીજી લહેર આવે તો પણ જે લોકોને સંક્રમણનો વધુ ખતરો હોય તેમને અને રસી ન લેનારા લોકોના કેસમાં સામાન્ય વધારો જોવા મળશે, તેમ રામન ગંગાખેડેકરે ઉમેર્યું.

ગત વર્ષે શરૂઆતમાં આવેલા વુહાન સ્ટ્રેન કરતાં ડેલ્ટ્રા સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કર્યા હતા. બીજી લહેર દરમિયાન ટૂંકાગાળામાં જ મોટી વસ્તી સંક્રમિત થઈ હતી.

ડેલ્ટા વેરિયંટથી દ્યણાં લોકો સંક્રમિત થઈ ચૂકયા છે ત્યારે સમાજમાં હાઈ-સીરોપ્રીવેલન્સ પણ સારી નિશાની છે. પહેલી લહેર કરતાં ભારતમાં બીજી લહેર ચાર ગણી વધુ ફેલાઈ હતી. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો નોંધાયો હતો. જે ઝડપથી શરૂ થઈ તે જ ઝડપથી લહેરનો અંત પણ આવતો દેખાયો હતો. લેટેસ્ટ સીરોસર્વે પ્રમાણે, સંક્રમિત થયા બાદ સાજા થયેલા મોટાભાગના લોકોમાં ઈમ્યુનિટી જોવા મળી હતી, તેમ સિનિયર એપિડેમિલોજીસ્ટ અમિતાવ બેનર્જીએ જણાવ્યું. હાઈ એન્ટીબોડી લેવલે ડેલ્ટા વેરિયંટ પર બ્રેક મારવાનું કામ કર્યું છે.

કોરોનાનું સંક્રમણ ભારતની ગીચ વસ્તીમાં મોટા પ્રમાણમાં ફેલાયું હતું ત્યારે આપણે એન્ડેમિક (સ્થાનિક રોગચાળો) સ્તરે પહોંચી ગયા હોઈએ તેવું લાગે છે. આ વાતની પુષ્ટિ યુરોપિયન દેશોમાં હાલમાં આવેલા કેસોના ઉછાળા સાથે સરખામણી કરીને કરી શકાય છે. આ દેશોમાં રસીકરણ બહોળા પ્રમાણમાં થયું હતું અને અહીં જ કેસોની સંખ્યા ટોચ પર છે જયારે ભારતમાં સંક્રમણ ઘટતું નજરે પડે છે, તેમ બેનર્જીએ ઉમેર્યું. તેમ છતાં, વાયરોલોજીસ્ટ ડેલ્ટા અને અન્ય વેરિયંટમાં થતી ઉત્ક્રાંતિ પર બારીક નજર રાખી રહ્યા છે.

(10:33 am IST)