Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાંચીમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતનો 7 વિકેટે ભવ્ય વિજય : સિરીઝ પર 2-0થી જમાવ્યો કબ્જો

કેએલ રાહુલ અને રોહિત શર્માએ 117 રનની વિશાળ ભાગીદારી કરી જીતનો પાયો નાખ્યો : રાહુલે 49 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 65 રન ઝૂડ્યા :રોહિતે 36 બોલમાં 1 ચોગ્ગો અને 5 છગ્ગા વડે 55 રન ફટકાર્યા

રાંચીમાં બીજી T20 મેચ જીતી લઇને ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પર 2-0 થી કબ્જો કરી લીધો હતો. કિવી ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ભારત સામે 6 વિકેટે 154 રનનો પડકાર રાખ્યો હતો. રન ચેઝ કરવા મેદાને આવતા ભારતીય ઓપનર કેએલ રાહુલ  અને રોહિત શર્માએ શાનદાર અર્ધશતક જમાવતા જીતનો પાયો નાંખ્યો હતો. ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. 

રોહિત શર્મા અને કેએલ રાહુલે 117 રનની વિશાળ ભાગીદારી રમત રમી હતી. બંનેની રમતને જોતા ભારતીય ટીમ વિના કોઇ નુકશાને જીત હાંસલ કરશે એમ લાગવા લાગ્યુ હતુ. જોકે બંને ઓપનરો અને સૂર્યાકુમાર યાદવ 14 થી 16 ઓવર સુધીમાં વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

ટોસ જીતીને રોહિત શર્માએ રન ચેઝ કરવાની રણનીતી અપનાવી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે શતકીય ભાગીદારી રમત રમી હતી. બંનેએ શાનદાર રમત દર્શાવી હતી. 117 રનના સ્કોર પર કેએલ રાહુલની વિકેટ ભારતે ગુમાવી હતી. રાહુલે 49 બોલનો સામનો કરીને 65 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે 36 બોલમાં 55 રન નોંધાવ્યા હતા. તેણે 1 ચોગ્ગો અને 5 છગ્ગા જમાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ 2 બોલનો સામનો કરીને માત્ર એક જ રન કરીને પરત ફર્યો હતો. વેંકટેશ ઐય્યર (12) આજે ત્રીજા નંબર પર પિચ પર આવ્યો હતો. તે કેએલ રાહુલની વિકેટ ગુમાવતા મેદાને આવ્યો હતો. ઋષભ પંતે બે છગ્ગા લગાવીને ભારતની જીત પર મહોર લગાવી હતી. ભારતે 17.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લઇને વિજય મેળવ્યો હતો.

 

ટોસ હારીને મેદાને ઉતરેલી કિવી ટીમે શરુઆત થી જ આક્રમક રમતનો આરંભ કર્યો હતો. કિવી ટીમે મોટો પડકાર ખડકીને તેને બચાવવાની યોજનાને મજબૂત કરવા રુપ રમત દાખવી હતી. ઇનીંગની શરુઆત સારી રહી હતી બંને ઓપનરો ગુપ્ટીલ અને મિશેલે 48 રનની પાર્ટનરશિપ કરી હતી. જેમાં ગુપ્ટીલે 15 બોલમાં 31 રનની આક્રમક રમત રમી હતી. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મિશેલે 28 બોલમાં 31 રન નોંધાવ્યા હતા.

માર્ક ચેપમેનને અક્ષર પટેલે પોતાનો શિકાર બનાવ્યો હતો. ચેપમેને 17 બોલમાં 21 રન કર્યા હતા. ટીમ સિફર્ટે 15 બોલમાં 13 રન કર્યા હતા. ગ્લેન ફિલીપ્સે 21 બોલમાં 34 રન ફટકાર્યા હતા. તોફાની બેટીંગ કરતા તેણે 3 છગ્ગા અને 1 ચોગ્ગો નોંધાવ્યો હતો. જોકે તે હર્ષલનો શિકાર બન્યો હતો. જીમી નિશમે 12 બોલ રમીને માત્ર 3 રન બનાવ્ચા હતા. મિશેલ સેન્ટનર (8) અને એડમ મિલ્ને (5) અણનમ રહ્યા હતા.

હર્ષલ પટેલે ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે ઓપનર મિશેલ અને તોફાની બે્ટસમેન ફિલીપ્સની વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ મેળવી હતી. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે પણ એક વિકેટ ઝડપી હતી.

(11:14 pm IST)