Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટમાં કોરોનાએ આજે વધુ ૮નો ભોગ લીધો

કોરોના સંક્રમણ ફરી વધતા મૃત્યુદર વધ્યો : ૨૪ કલાકમાં ૧૫ના મોત : તંત્ર ઉંધા માથે : ૨૨૯૬૧ ઘરોમાં સર્વે - ૧૩ને શરદી - તાવના લક્ષણો : ગ્રામ્ય વિસ્તારમાં ૬૭૪૬ ઘરોમાં સર્વે ૧૫૧ને શરદી તાવના લક્ષણો : ગ્રામ્ય વિસ્તારના ધોરાજી, ઉપલેટા, પડધરી, ગોંડલ, જસદણ, જેતપુરમાં ૨૬૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન : રાજકોટમાં આજી ડેમ ચોકડી, સખીયાનગર, ભકિતનગર સર્કલ, કેવડાવાડી, પેડક રોડ, કુવાડવા રોડ વિસ્તારમાં ૫૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

રાજકોટ તા. ૨૦ : તહેવારો બાદ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર છવાઇ છે અને સંક્રમણ વધવા લાગ્યું છે. રાજકોટ શહેર - જિલ્લામાં પણ સંક્રમણ વધતા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૧૫નો ભોગ લીધો હતો. ગઇકાલે ૭ના મોત બાદ આજે વધુ એક મોત થતાં કુલ ૮ના મૃત્યુ કોરોનાથી થયાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે.

આ અંગે સરકારે જાહેર કરેલ મેડીકલ બુલેટીનમાં જણાવાયું છે કે, આજે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાથી ૮ વ્યકિતઓના મોત નિપજ્યા હતા. કુલ ૨૨૯૬૧ ઘરોનો સર્વે રાજકોટ શહેરમાં કરાયો હતો. જેમાં માત્ર ૧૩ વ્યકિતઓને શરદી - તાવના લક્ષણો જણાયેલ. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૬૭૫૪૬ ઘરોમાં સર્વે થયેલ. જેમાં ૧૫૧ વ્યકિતઓને શરદી - તાવના લક્ષણો જોવા મળેલ.

શહેરમાં કુલ ૩૬ ટેસ્ટીંગ વાન કાર્યરત કરાયા છે અને ગ્રામ્ય વિસ્તારો ૫૧ ટેસ્ટીંગ વાન કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે સવાર સુધીમાં ૯૭૩ ટેસ્ટ થયા છે. ગ્રામ્યના ધોરાજી, ઉપલેટા, ગોંડલ, પડધરી, જસદણ વગેરેમાં ૨૬૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

જ્યારે રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી, કેવડાવાડી, કુવાડવા રોડ, મહીલા કોલેજ ચોક, પેડક રોડ, ભકિતનગર સર્કલ, એરપોર્ટ રોડ વગેરે વિસ્તારમાં ૫૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત કરાયા છે.

આમ, કોરોનાએ ફરી માથું ઉંચકતા તંત્ર ઉંધા માથે થયું છે.

(12:55 pm IST)