Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર રચવા પ્રશ્ને સસ્પેન્સ હજુ અકબંધ

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે લાંબી બેઠક થઈ : એનસીપીના નેતા શરદ પવારના આવાસે મહત્વની બેઠક

નવી દિલ્હી, તા. ૨૦ :  દિલ્હીમાં એનસીપીના નેતા શરદ પવારના આવાસ ઉપર આજે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર રચવાના મુદ્દા પર વિસ્તાર પૂર્વક ચર્ચા થઈ હતી. ચૂંટણીના પરિણા જાહેર થયા બાદ ઘણા દિવસ થયા હોવા છતાં મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઈ શકી નથી. પક્ષો દ્વારા પાછલા બારણે સરકાર રચવા માટે સમજુતી કરવામાં આવી રહી છે. વાતચીતમાં જુદા જુદા વિષય પર ચર્ચા થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને સસ્પેન્સ યથાવત છે. આજે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડકે, કેસી વેણુગોપાલ, બાલાસાહેબ થોરાટ, અહેમદ પટેલ, જયરામ રમેશ, પૃથ્વીરાજ ચૌહાણ અને અન્ય કેટલાક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એનસીપી તરફથી આ બેઠકમાં સુપ્રીયા સુલે, છગન ભુજબળ, અજિત પવાર, શરદ પવાર અને નવાબ મલિક ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સરકાર રચવાને લઈને મુખ્ય ચર્ચા થઈ હતી. જોકે મોડી રાત સુધી બેઠકમાં કયા મુદ્દે અને કયા પાસા ઉપર નિર્ણય લેવાયા છે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. હવે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ સસ્પેન્સ વધ્યુ છે.

(9:50 pm IST)