Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર 150 ભારતીયોને વિશેષ વિમાનમાં પાછા મોકલી દીધા

લાખો રૂપિયા ખર્ચીને મોસ્કો અને પેરિસ થઈને તેઓ મેક્સિકો પહોંચ્યા હતા.: એક વ્યક્તિને ચોથીવાર પાછો ધકેલ્યો

નવી દિલ્હી : અમેરિકાએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા આશરે 150 જેટલા ભારતીય નાગરિકોને વિશેષ વિમાન મારફતે ભારત પરત મોકલી આપ્યા છે.

  અમેરિકામાં વધુ સારી જિંદગી વિતાવવાના તૂટેલા સ્વપ્ન સાથે આશરે 150 જેટલા ભારતીયો 20 નવેમ્બરના રોજ સ્વદેશ પરત ફર્યા છે અને તેમણે પોતાની બચતની રકમમાંથી ઘણાં બધા રૂપિયા પણ ગુમાવી દીધા છે. વિઝાના નિયમોના ઉલ્લંઘન બદલ અથવા તો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાના આરોપસર તે તમામ ભારતીયોને સ્વદેશ પરત મોકલી આપવામાં આવ્યા હતા.

 એક વ્યક્તિને સતત ચોથી વખત સ્વદેશ પરત મોકલી આપવામાં આવી છે. ગત 15મી મેના રોજ તેમણે મુસાફરીની શરૂઆત કરી હતી તથા મોસ્કો અને પેરિસ થઈને તેઓ મેક્સિકો પહોંચ્યા હતા. ત્યાંથી 16મી મેના રોજ તેઓ કેલિફોર્નિયા જવા પ્રયત્ન કરી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને પકડી લીધા હતા અને એરિઝોના ખાતેથી સ્વદેશ મોકલી આપ્યા છે. ચાર વખત અમેરિકા જવા માટેના પ્રયત્ન માટે તેમણે 24 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે અને કાયદાકીય સલાહ માટે અલગથી 40 લાખ રૂપિયા ખર્ચ્યા છે. અન્ય એક વ્યક્તિએ અમેરિકામાં પ્રવેશ મેળવવામાં મદદ મળે તે માટે અમૃતસરના એક એજન્ટને 25 લાખ રૂપિયા આપ્યા હતા.

(9:07 pm IST)