Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

૧૦૫ વર્ષની ઉંમરે દાદીએ આપી ચોથા ધોરણની પરીક્ષા, ફરી શરૂ કર્યુ ભણવાનું

તેમની હિંમત, કયારેય હાર ન માનવાવાળો જુસ્સો, ભણતર પ્રત્યેની જબરજસ્ત ઇચ્છા શકિત અને કેરળ રાજય સાક્ષરતા મિશનના પ્રયાસો રંગ લાવ્યા

કોલ્લમ, તા.૨૦: કેરળના ભાગીરથી અમ્મા સોશિયલ મીડિયાથી લઈને સમાચારોમાં છવાયા છે. કેમ કે ફકત ૮ વર્ષની ઉંમરે પોતાના ભાઈ-બહેનોની જવાબદારી ઉઠાવવાની આવતા અમ્માએ ચોથા ધોરણથી જ ભણતરને રામ રામ કરી દીધા હતા. પરંતુ હિંદીમાં એક કહેવત છે દેર આએ પર દુરસ્ત આએ. ત્યારે ૧૦૫ વર્ષે ચોથા ધોરણની પરીક્ષા આપવાવાળા ભાગીરથી અમ્મા દુનિયાના સૌથી વૃદ્ઘ વિદ્યાર્થી બની ચૂકયા છે.

મંગળવારે ભાગીરથી અમ્માએ ચોથા ધોરણ સમકક્ષ પરીક્ષા આપી હતી. તેના માટે તેમની હિંમત, કયારેય હાર ન માનવાવળો જુસ્સો, ભણતર પ્રત્યેની જબરજસ્ત ઇચ્છા શકિત અને કેરળ રાજય સાક્ષરતા મિશનના પ્રયાસો રંગ લાવ્યા છે. મંગળવારે જયારે તેઓ પોતાની પરીક્ષા આપવા આવ્યા ત્યારે સમાજના ગણમાન્ય લોકોએ તેમને પોતાના હાથે પ્રશ્નપત્ર આપ્યું.

ભાગીરથી અમ્માના પતિનું ૭૦ વર્ષ પહેલા મૃત્યુ થઈ ચૂકયું હતું. તે સમયે તેમણે પોતાની ચાર દીકરીઓ અને બે દીકરાનું પાલન પોષણ કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિઓના કારણે તેમની ફરી સ્કૂલે જવાની ઇચ્છા દબાયેલી જ રહી.

સાક્ષરતા મિશનના કેબી વસંત કુમારે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'ખૂબ જ નાની ઉંમરમાં તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. જેથી નાના ભાઈ-બહેનોની જવાબદારી પણ તેમના માથે આવી ગઈ હતી. જેના કારાણે તેમણે સ્કૂલ છોડવી પડી હતી. આજે ૧૦૦ વર્ષ પાર કરી ગયા છતા તેમની જોવાની, સાંભળવાની અને યાદ રાખવાની શકિતઓ ખૂબ જ તેજ છે.'

(3:42 pm IST)