Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઉતરપ્રદેશને દેશનું પ્રથમ ટીબી મુકત રાજય બનાવવા આનંદીબેનનો સંકલ્પ

રાજયપાલની પ્રેરણાથી ૬૦૦૦ દર્દીઓને દતક લેવાયા

રાજકોટ તા.૨૦: ઉતરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ઉતરપ્રદેશને ટીબીના રોગથી મુકત કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. તેમની પ્રેરણાથી ૬ હજાર ટીબી દર્દીઓને દતક લેવામાં આવ્યા છે.

રાજયપાલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના રાજય એકમના વડા શ્રીમતી આનંદીબેને કેસરબાગ સ્થિત રેડક્રોસ ભવનમાં સન્માન પ્રસંગે જણાવેલ કે આ સોસાયટીનો ઉદશ્ય માનવ સેવા અને નિસહાય લોકોને સહાયતા કરવાનો છે. હું જે જિલ્લામાં જાઉ છુ ત્યાં રેડક્રોસની બેઠક યોજુ છુ. ૧૮ વર્ષથી ઓછી ઉમરના દર્દીઓને દતક લેવા પ્રેરિત કરૂ છુ. અત્યાર સુધીમાં વિવિધ વિશ્વ વિદ્યાલયો અને અન્ય સંસ્થાઓ દ્વારા ૬ હજાર દર્દીઓને દતક લેવામાં આવ્યા છે. રાજયના બધા જિલ્લાઓમાં ફરીને ઉતરપ્રદેશને દેશનુ પ્રથમ ટીબી મુકત રાજય બનાવવાનો મારો સંકલ્પ છે.

રાજયપાલે જણાવેલ કે રેડક્રોસ સોસાયટીને રાજકીય અખાડો નહિ બનવા દેવો જોઇએ આ સંસ્થાએ માત્ર પોતાના ઉદેશોની પૂર્તિ માટે જ કાર્ય કરવુ જોઇએ. સોસાયટી દ્વારા થતા સેવા કાર્યો પ્રસન્નતા અર્પે છે. સોસાયટીના સદસ્યોએ પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ લોકોને આયુષ્માન યોજનાનો લાભ અપાવવો જોઇએ.

આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના યુપીના સભાપતિ અને ધારાસભ્ય સુરેશ શ્રીવાસ્તવ, મહાસચિવ ડો.શ્યામ સ્વરૂપ, ઉપસભાપતિ ડો.હિમાંબિંદુ  નાયક, સંજીવ મેહરોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)