Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ પૂર્ણરીતે સામાન્ય બની ચુકી

યોગ્ય સમયે ઇન્ટરનેટ સેવા શરૂ થશે : ગૃહમંત્રી અમિત શાહ : જરૂરી કાર્યો માટે ૧૦ જિલ્લામાં ટર્મિનલ્સ કામ કરી રહ્યા છે : દવાઓની મોબાઇલ વેનનું સંચાલન જારી છે : ગૃહમંત્રી અમિત શાહ

નવીદિલ્હી, તા. ૨૦ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દાવો કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સામાન્ય બની ચુકી છે. એનસીપી  સાંસદ માજિદ મેમણ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમિત શાહે વિસ્તૃત આંકડા રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં જનજીવન સંપૂર્ણપણે પાટા ઉપર છે. ત્યાં તમામ સ્કુલો, હોસ્પિટલો અને કોર્ટથી લઇને તમામ સરકારી ઓફિસો યોગ્યરીતે કામ કરી રહી છે. આ ગૃહમાં કહેવામાં આવ્યું છે કે, ખાસ રાજ્યનો દરજ્જો આંચકી લેવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ખૂનની નદીઓ વહેશે પરંતુ આજે અમને આ કહીને આનંદ થઇ રહ્યો છે કે, પાંચમી ઓગસ્ટ બાદથી હજુ સુધી પોલીસ ગોળીબારમાં જમ્મુ કાશ્મીરમાં એક પણ નાગરિકનું મોત થયું નથી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જ્યાં સુધી ઇન્ટરનેટ સર્વિસની વાત છે. આવનાર સમયમાં આ બાબત પણ અમલી બની જશે. હાલમાં જરૂરી કામો માટે ૧૦ જિલ્લામાં ટર્મિનલ કામ કરી રહ્યા છે.

          ગૃહમાં મેમણથી પહેલા કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ અને પીડીપી સાંસદ નઝીર અહેમદે પણ જમ્મુ કાશ્મીરમાં શિક્ષણ અને આરોગ્ય મુદ્દે પ્રશ્ન કર્યા હતા. પીડીપી સાંસદ નજીર અહેમદે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં દવાઓનો અભાવ રહેલો છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, સરકાર પુરતા પુરવઠાની ખાતરી કરવા કોઇ વિશ્વાસ આપશે કે કેમ. આના પર ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પ્રદેશમાં દવાઓની કોઇ કમી રહી નથી. ત્યાં તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ખુલ્લા છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દવાઓની મોબાઇલ વેનનું પણ સંચાલન થઇ રહ્યું છે. શ્રીનગર શહેરની હોસ્પિટલમાં ઓપીડીમાં સપ્ટેમ્બર મહિનામાં ૬૦ લાખ ૬૭ હજાર જ્યારે ઓક્ટોબર મહિનામાં ૬૦ લાખ ૯૧ હજાર દર્દીઓની સારવાર થઇ છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિને કોઇ વિસ્તારમાં આરોગ્ય સુવિધામાં કમી અંગે માહિતી મળે છે તો તેઓ સીધીરીતે અમિત શાહ સાથે વાત કરી શકે છે. તેમણે ખાતરી આપી હતી કે, ફરિયાદો થયા બાદ તરત કાર્યવાહી કરાશે. ગૃહમંત્રીની ખાતરી બાદ પીડીપી સાંસદે પણ અમિત શાહનો આભાર માન્યો હતો. બીજી બાજુ કોંગ્રેસી સાંસદ ગુલામ નબી આઝાદે શિક્ષણ અને આરોગ્યને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પાંચમી ઓગસ્ટ બાદથી સ્કુલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ નહીવત જેવી રહેલી છે.

           ઇન્ટરનેટ ચાલી રહ્યા નથી. આનાથી બાળકોના અભ્યાસ પર માઠી અસર થઇ રહી છે. આના જવાબમાં શાહે કહ્યું હતું કે, અમે પણ સભ્યોની ચિંતાથી સહમત છીએ. પાકિસ્તાન તરફથી સરહદ પારથી થઇ રહેલી આતંકવાદી ઘટનાઓ અને સુરક્ષા કારણોસર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરક્ષાને લઇને કેટલીક ચિંતાઓ રહેલી છે. સ્થાનિક વહીવટીતંત્ર તરફથી જ્યારે પણ સ્થિતિ સાનુકુળ બનશે ત્યારે ઇન્ટરનેટ સુવિધા ફરીથી સ્થાપિત કરી દેવામાં આવશે. કાશ્મીરમાં સ્કુલોની સ્થિતિ પર ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ૨૦૪૧૧ સ્કુલો ખુલી ગયા છે. તમામ જગ્યાઓએ પરીક્ષા ચાલી રહી છે. ૧૧માં ધોરણમાં ૯૯.૪૮ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષાઆપી છે. ૧૦માં અને ૧૨માં પણ ૯૯.૭ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સામાન્ય છે. શાહે કહ્યું હતું કે, રેકોર્ડના આધાર પર પડકાર ફેંકવામાં આવે તે જરૂરી છે. શાહે કહ્યું હતું કે, તેઓ ગુલામ નબીને પડકાર ફેંકવા માંગે છે કે, રેકોર્ડના આધાર પર પડકાર ફેંકી શકે છે.

(7:35 pm IST)