Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દુરાગ્રહ અને દોષરહિત સંવાદ 'દર્શન'ને જન્મ આપે છેઃ ભદ્રેશ સ્વામી

નવી દિલ્હી સ્થિત સ્વામીનારાયણ અક્ષરધામે અક્ષરપુરૂષોત્તમ દર્શન પરિસંવાદ : ૨૩ શોધપત્ર રજૂ : પાંચ યુનિવર્સિટીઓના કુલપતિ અને બે કોલેજના આચાર્યની ઉપસ્થિતિ

રાજકોટ : નવી દિલ્લી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામમાં 'અક્ષરપુરુષોત્ત્।મ દર્શન' પરિસંવાદનો ભવ્ય શુભારંભ તાજેતરમાં થયો. આઈ.સી.પી.આર.(ભારતીય દાર્શનિક અનુસંધાન સમિતિ)દ્વારા આયોજિત આ પરિસંવાદ દિલ્લી અક્ષરધામમાં  બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંશોધન કેન્દ્ર ખાતે યોજાયો હતો.

આ ઉદ્દઘાટન સમારોહમાં મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામીજીએ જણાવ્યું હતું કે, સંવાદ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. દુરાગ્રહ અને દોષરહિત સંવાદ દર્શનને જન્મ આપે છે. શાસ્ત્રોમાં વિવિધ સંવાદોનો સંકલન કર્યા પછી, સ્પષ્ટ થાય છે કે એક પરિપકવ સંવાદ ઉન્નત  દર્શનગ્રંથને અભિવ્યકત કરે છે. તેમણે ઉપનિષદો અને વચનામૃત દ્વારા તેમના નિવેદનની પુષ્ટિ કરી હતી. આ પરિસંવાદની શરૂઆતમાં અનેક દાર્શનિક સિદ્ઘાંતો પર વિચારોની પરસ્પર આપ-લે કરવામાં આવી હતી.

અક્ષરપુરુષોત્ત્।મ દર્શન પરિસંવાદની વિશેષતાઓ : આ ત્રણ દિવસીય પરિસંવાદમાં કુલ ૨૩ શોધપત્રો રજૂ કરાયા હતા. જેમાં પ્રસ્તુતકર્તા તરીકે ભારતભરમાંથી વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદમાં, ત્રણ ભાષાઓ(અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી)માં શોધપત્રો રજૂ કરવામાં આવ્યા હતા. દર્શન અને સંસ્કૃતના લગભગ તમામ વિષયોને  આ પરિષદમાં શોધપત્રો દ્વારા રજૂ કરાયા હતા. આ પરિસંવાદમાં કુલ ૫ યુનિવર્સિટીના કુલપતિ અને ૨ કોલેજના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમવાર સ્વયં ભાસ્યકાર મહામહોપાધ્યાય પૂજય ભદ્રેશ સ્વામી સંપૂર્ણ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા.   પાશ્ચાત્ય જગતના વિદ્વાનો અને ભારતીય દર્શનના વિદ્વાનોનો સુભગ સમન્વય આ પરિસંવાદ દ્વારા થયો.  ૮૨ વર્ષીય વિદ્વાનોથી લઈને ૨૧ વર્ષના સંસ્કૃતમાં રીસર્ચ કરતા વિદ્યાર્થીઓ આ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે, આઈસીપીઆરના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી એસ.આર.ભટ્ટ, વર્તમાન પ્રમુખ શ્રી આર.સી. સિંહાજી, મહામહોપાધ્યાય  શ્રી વશિષ્ઠ ત્રિપાઠીજી (વારાણસી), લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠના કુલપતિ શ્રી રમેશકુમાર પાંડેજી (નવી દિલ્હી), કવિ કાલિદાસ યુનિવર્સિટીના કુલપતિ શ્રી શ્રીનિવાસ વરખેડીજી (નાગપુર) અને ભારતભરમાંથી ઘણા  વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)