Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પ્રિયંકાના નેતૃત્વમાં યુપી કોંગ્રેસે ઉચકયા ખભ્ભા ર૦રર વિધાનસભાની તૈયારીઃ બ્રાહ્મણ ચેતના યાત્રા

કદાવર બ્રહ્મ ચહેરા પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદને યાત્રાની સોંપાઇ જવાબદારી

લખનૌ તા. ર૦ :.. ઉત્તર પ્રદેશમાં સાવ ખખડીને ખાડે ગયેલી કોંગ્રેસને જર્જરીત અવસ્થામાંથી બહાર કાઢી મજબૂતાઇ તરફ લઇ જવા માટે પ્રિયંકા ગાંધીને સોંપાયેલી જવાબદારી પ્રિયંકા સુપેરે નિભાવી રહી છે. ર૦રર માં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા અને બ્રાહ્મણોનો ફરી સહારો લઇ યુપી કબ્જે કરવા બ્રાહ્મણ ચેતના યાત્રા શરૂ કરાઇ છે. જેની જવાબદારી  પુર્વ કેન્દ્રીય મંત્રી અને બ્રાહ્મણ ચહેરો એવા જીતેન્દ્ર પ્રસાદને સોંપાઇ છે.

હાલમાં કોંગ્રેસ નાના-મોટા મુદાઓને લઇને ભાજપને ઘેરી રહી છે. કોંગ્રેસ તમામ જીલ્લાઓમાં પાર્ટીના સંગઠનને મજબુત કરવામાં ગૂંથાઇ છે ત્યારે બ્રાહ્મણ ચેતના યાત્રા હેઠળ કોંગ્રેસ એવા તમામ બ્રાહ્મણ પરિવારોના ઘેર જાવા માંગે છે જે પરિવારના કોઇ સદસ્યોની ભુતકાળમાં હત્યા થઇ છે.

બ્રાહ્મણ ચેતના યાત્રા અંતર્ગત જીતેન્દ્ર પ્રસાદ પિડીત પરિવારોનાં ઘેર જશે જયાં એવા પરિવાર પ્રત્યે કોંગ્રેસ તરફથી શાંત્વના વ્યકત કરશે અને કાયદો અને વ્યવસ્થા અંગે યોગી સરકાર પર આકરા પ્રહારો પણ કરશે.

પ્રિયંકા ગાંધીએ ઉતર પ્રદેશમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે તમામ પ્રયાસો આદર્યા છે.

બ્રાહ્મણ ચેતના યાત્રાને અનુલક્ષીને ગઇકાલે જીતેન્દ્ર પ્રસાદ મેનપુરી પહોચ્યા હતા અને ગોપીનાથ વિસ્તારમાં સુભાષચંદ્ર ખાંડેના ઘેર પહોંચ્યા હતા અને શોક-સંવેદના વ્યકત કર્યા હતાં. ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ સુભાષચંદ્ર ખાંડેીન ૧૬ વર્ષીય પુત્રી અનુષ્કા ખાંડે કે જે ભોગાવ ખાતેથી જવાહર નવોદય વિદ્યાલયમાં ૧૧ માં ધોરણમાં ભણતી હતી. અને ભેદી સંજોગોમાં તેનુ મોત નિપજયુ હતું.

સ્કુલ સત્તાવાળાઓએ એવો દાવો કર્યો હતો કે વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇ લીધો હતો પરંતુ પરિવારજનોએ શાળાના પ્રિન્સીપાલ, પટાવાળા સહિત ત્રણ સામે બળાત્કાર થયો હોવાની ફરીયાદ કરી હતી.

બ્રાહ્મણ ચેતના યાત્રા દરમ્યાન પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદ ઉત્તર પ્રદેશના અન્ય જીલ્લાઓના એવા વિસ્તારોમાં જશે જયાં વીતેલા દિવસોમાં બ્રાહ્મણોની હત્યા થઇ હોય કે અસામાજીક તત્વોની ક્રુરતા કે દાદાગીરીનો ભોગ બન્યા હોય.

આ ઉપરાંત યાત્રા દરમ્યાન જીતેન્દ્ર પ્રસાદ પશ્ચિમ યુપી, બુંદેલખંડ અને પુર્વાચલ વિસ્તારમાં પહોચશે. અને ત્યાં પત્રકારો, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મહિલાઓ પ્રતિ પોતાની સંવેદના અને સાથે ઉભાા રહેવાનો વિશ્વાસ બતાવી તેઓને કોંગ્રેસ સાથે જોડવાનો પ્રયત્ન કરશે.

(11:34 am IST)