Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

HRD મિનિસ્ટ્રી હવે શિક્ષા મંત્રાલયના નામથી ઓળખાશે, નવી શિક્ષા નીતિમાં ભલામણ

આશરે ૩૪ વર્ષ પહેલા ૧૯૮૫માં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે શિક્ષા મંત્રાલયનું નામ બદલીને તેનું નામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરી દીધું હતું, હાલમાં પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિ ડ્રાફટને મંત્રાલયે અંતિમ રૂપ આપી દીધું છે

નવી દિલ્હી, તા.૨૦: પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિને લાગૂ કરવાની સમયસીમાને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે, પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ નીતિના અમલ સાથે માનવ સંસાધન વિકાસ (HRD) મંત્રાલયનું નામ બદલી દેવામાં આવશે. આ સાથે તે ફરી શિક્ષા મંત્રાલયના (Ministry of Education) નામથી ઓળખવામાં આવશે.

આશરે ૩૪ વર્ષ પહેલા ૧૯૮૫માં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે શિક્ષા મંત્રાલયનું નામ બદલીને તેનું નામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરી દીધું હતું. હાલમાં પ્રસ્તાવિત નવી શિક્ષા નીતિ ડ્રાફટને મંત્રાલયે અંતિમ રૂપ આપી દીધું છે. હવે તેને માત્ર કેબિનેટની મંજૂરી મળવાની બાકી છે.

આ વચ્ચે પ્રસ્તાવિત નીતિના અંતિમ ડ્રાફટમાં શિક્ષા સાથે જોડાયેલા તમામ સુધારાની સાથે મંત્રાલયનું નામ બદલવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ વાત છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલવાની પહેલા પણ માગ થઈ છે. હાલમાં મંત્રાલયના નામમાં ફેરફાર કરવાની માગ રાષ્ટ્રીય સ્વયં સંદ્ય સાથે જોડાયેલી સંસ્થા ભારતીય શિક્ષણ મંડળ તરફથી કરવામાં આવી હતી. જેનું મોટી સંખ્યામાં શિક્ષાવિદોએ સમર્થન પણ કર્યું હતું.

લોકોનું કહેવું હતું કે નામ ભલે બદલી નાખ્યું, પરંતુ તેનું કામ પહેલા જેવું હતું. પરંતુ નામમાં આ બદલાવથી ભ્રમ જરૂર થઈ ગયો. આ વચ્ચે નીતિને અંતિમ રૂપ આપનારી ટીમે સ્પષ્ટ કર્યું કે, મંત્રાલયના નામમાં ફેરફારથી તે સ્પષ્ટ થઈ જશે, કે તેણે શિક્ષાના ક્ષેત્રમાં ધ્યાન આપવાનું છે.

વિશ્વના તમામ મુખ્ય દેશોમાં શિક્ષાનું કામ જોવા માટે શિક્ષા મંત્રાલય છે. ખાસ વાત છે કે નવી શિક્ષા નીતિ તૈયાર કરનારી કસ્તૂરીરંગન કમિટિએ પણ આ ફેરફારને જરૂરી ગણાવ્યો હતો.

(10:02 am IST)