Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

૫.૩ની તીવ્રતા સાથે ફરીવાર ઉત્તર ભારત ભૂકંપથી ધ્રુજ્યુ

દિલ્હી-એનસીઆર, લખનૌ, ચંદીગઢમાં અસર : ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ અસર રહી

નવીદિલ્હી, તા. ૧૯ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ જેટલી આંકવામાં આવી હતી. તમામ વિસ્તારો ભૂકંપના કારણે હચમચી ઉઠ્યા હતા. દિલ્હી અને એનસીઆર ઉપરાંત લખનૌ, ચંદીગઢ, નોઇડા, ગુરુગ્રામ સહિત ઉત્તર ભારતના અન્ય અનેક શહેરોમાં આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપને લઇને માહિતી આપનાર અમેરિકી સંસ્થા યુએસજીએસના કહેવા મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ જેટલી આંકવામાં આવી હતી. આનું કેન્દ્ર નેપાળમાં દીપાયાળની પાસે હોવાનું જાણવા મળ્યું છે. જમીનની અંદર આનું કેન્દ્ર રહ્યું હતું. દિપાયાળ હિમાચલની નજીક રહેલો એક વિસ્તાર છે જ્યાં સામાન્યરીતે ઓછી તીવ્રતા વાળા ભૂકંપ આવતા રહે છે. આજે આવેલા આ આંચકાના કારણે જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ મળ્યા નથી. ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં પણ ભૂકંપની તીવ્રતા જોવા મળી હતી.

              અહીં તીવ્રતા સૌથી વધારે નોંધાઈ હતી. લખનૌમાં ઓફિસોમાં કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા. ઉત્તરાખંડમાં પણ આંચકો અનુભવાયો હતો. નેપાળમાં સામાન્યરીતે ભૂકંપ આવતા રહે છે. ૨૦૧૫માં આ પડોશી દેશમાં વિનાશકારી ભૂકંપનો આંચકો આવ્યો હતો જેમાં એકલા નેપાળમાં ૮૦૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા હતા. ગુજરાતના જુદા જુદા ભાગોમાં ગઇકાલે આંચકો આવ્યા બાદ આજે ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નિષ્ણાતોના કહેવા મુજબ વસતીવાળા વિસ્તારમાં ૫.૩ની તીવ્રતાના આંચકા પણ નુકસાન કરી શકે છે. લખનૌમાં સૌથી વધારે અસર આજે જોવા મળી હતી. રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્ર સહિત ઉત્તર ભારતમાં રહેતા લોકોમાં આને લઇને મોટી સાંજ સુધી લોકોમાં સંપર્કો મારફતે ચર્ચા રહી હતી.

(12:00 am IST)