Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ટ્રમ્પના ફુંફાડાથી ઈમરાનના ધોતિયા ઢીલાઃ અલ કાયદા વિરૂદ્ધ ઓપરેશન

પાકિસ્તાને દેખાડો કરવા પુરતુ અલ કાયદાના વડા ઝવાહરીની પુત્રી અને જમાઈની ધરપકડ કરીઃ વિશ્વને ઉંધા ચશ્મા પહેરાવવા હાથ ધર્યુ ઓપરેશન બ્રેક થ્રુ :જો પાકિસ્તાનને કાર્યવાહી કરવી જ હોય તો હાફીઝ સઈદ સહિત ભારતને કનડતા ત્રાસવાદીઓ વિરૂદ્ધ ધોકો પછાડવો જોઈએ અને જેલ ભેગા કરી દેવા જોઈએ

ઈસ્લામાબાદ, તા. ૨૦ :. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રાસવાદીઓ વિરૂદ્ધ નહી કરવા બદલ પાકિસ્તાનને લબલબાવતા પાકિસ્તાનના શાસકોને ડહાપણની દાઢ ફુટી છે અને ત્રાસવાદીઓ વિરૂદ્ધ પગલા લેવાનુ શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનની સિકયુરીટી એજન્સીઓએ અને ઈન્ટેલીજન્સ એજન્સીઓએ અલકાયદાના વડા અયમાન અલ ઝવાહરીની પુત્રી અને જમાઈની કરાંચીમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે ઝવાહરીનો જમાઈ ઉમર જલાલ અગાઉ ઓસામા બીન લાદેનનો બોડીગાર્ડ અને ડ્રાઈવર પણ રહી ચૂકયો છે.

પાકિસ્તાનની સિકયુરીટી એજન્સીઓએ થોડા દિવસ પહેલા જ આ કાર્યવાહી કરી હતી પણ તેની જાહેરાત હવે કરી છે. બન્નેને અજાણ્યા સ્થળે લઈ જવામા આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. પાકિસ્તાને ઓપરેશન બ્રેક થ્રુ હેઠળ અલકાયકા સામે કાર્યવાહી કરી છે.

અલકાયદાનો વડો અલ ઝવાહરી એફડીઆઈના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓમાં ટોપ પર છે અને તેના માથા ઉપર પાંચ મીલીયન ડોલરનું ઈનામ પણ રાખવામાં આવ્યુ છે.

અત્રે એ નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે પાકિસ્તાનને આડે હાથ લઈ એવુ કહ્યુ હતુ કે પાકિસ્તાને અમારા માટે કશુ કર્યુ નથી તેથી પાકિસ્તાને ગભરાઈને અથવા તો દેખાડો કરીને આ કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. જો દાનત હોય તો પાકિસ્તાને હાફીઝ સઈદ સહિતના ભારત માટેના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓની પણ ધરપકડ કરવી જોઈએ.

(2:50 pm IST)