Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગુજરાત કેડરના બાહોશ IAS-IPS દિલ્હીમાં કૌભાંડો, વિવાદોમાં ફસાયા

હવે કોઇ ભારત સરકારમાં ડેપ્યુટેશનનું નામ પણ નથી લેતું ! : જે ઓફિસરો દિલ્હી ગયા તેમાંથી કેટલાક બદનામ તો કેટલાક સાઇડલાઇન

નવી દિલ્હી તા. ૨૦ : ભારત સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાત કેડરના આઈએએસ, આઈપીએસ ઓફિસરો એક પછી એક વિવાદોમાં ફસાયા છે. આથી, ચારેક વર્ષ પહેલા દિલ્હીમાં ડેપ્યુટેશન પર જવા માટે રાજકિય લોબિંગ કરતા ઓફિસરો હવે ત્યાં જવાનું નામ પણ લેતા નથી.

૯૦૦૦ કરોડના બેંકલોન કૌભાંડના આરોપી વિજય માલ્યા સામેની નોટીસ કાઢવા અને તેની પ્રક્રિયાને ઢિલી કરવામાં સીબીઆઈના એડિ. ડાયરેકટર અરૂણ કુમાર શર્મા સામે આક્ષેપો થયા હતા. ગુજરાતમાં ક્રાઈમબ્રાન્ચ જેવી મોટી જગ્યાઓ પર પોસ્ટીંગ મેળવી ચૂકેલા શર્મા ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર છે. તાજેતરમાં જ સાંડેસરા લાંચ કેસમાં  સ્પેશ્યિલ ડાયરેકટર રાકેશ અસ્થાનાનો વિવાદ શમે એ પહેલા જ સીબીઆઈમાં આંતરીક વિખવાદ સામે આવ્યો. સીબીઆઈ ચીફ આલોક વર્મા અને અસ્થાના વચ્ચેની લડાઈને લીધે CBI શંકાના પરિધમાં મુકાઈ છે.

માત્ર આઈપીએસ જ નહી, કેન્દ્રમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાત કેડરના આઈએએસ ઓફિસરો પણ તેમના વ્યવહારને કારણે બદનામ થયા છે. નોટબંધી, જીએસટી જેવા આર્થિક નિર્ણયોમાં નાણા મંત્રાલયના સેક્રેટરી હસમુખ અઢિયા સામે સત્તાધારી ભાજપમાંથી ગંભીર આક્ષેપો થયા છે. એટલુ જ નહી, એક નિરવ મોદી કેસમાં તો સોનાના બિસ્કીટની લાંચ લીધાનો મુદ્દે પણ ખુજ ગાજયો અને છેવટે હસમુખ અઢિયાએ પોતાને કોઈકે આપેલા બિસ્ટીક સરકારી ખજાનામાં જમા કરાવ્યાનું પણ જાહેર કર્યુ હતુ. આમ, આઈએએસ હોય કે આઈપીએસ ગુજરાત કેડરમાંથી જે ભારત સરકારમાં ડેપ્યુટેશન પર છે તેમાંથી મોટાભાગના તો સાઈડ લાઈન છે જે નથી તે બદનામ છે.  ગુજરાતમાંથી ૧૯ આઈએએસ અને ૧૭ આઈપીએસ ઓફિસરો ભારત  સરકારમાં દિલ્હી અને દેશમાં વિવિધ સ્થળે ડેપ્યુટેશન પર છે. કેટલાક સમયથી ડેપ્યુટેશન પર કાર્યરત ઓફિસરોના વિવાદો- કૌભાંડો બહાર આવતા હવે કોઈ ત્યાં જવાનું નામ પણ લેતુ નથી.(૨૧.૧૦)

(10:42 am IST)