Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

નોટબંધી બાદ રિટર્ન નહીં ફાઇલ કરનારાની તપાસ

તાજેતરમાં બેંક એકાઉન્ટનો અયોગ્ય ઉપયોગ થયાના કૌભાંડો સામે આવ્યા છે ત્યારે આ પ્રકારની તપાસ મહત્વની બની રહેશે

અમદાવાદ તા. ૨૦ : નોટબંધી બાદ બેન્ક એકાઉન્ટમાં નોંધપાત્ર રકમ જમા કરાવી હોય પરંતુ આવકવેરા રિટર્ન ના ભર્યું હોય તેવા ૮૦,૦૦૦ જેટલા કેસની ઊંડી તપાસ આવકવેરા વિભાગ કરી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પણ આ પ્રકારના કેસોની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં બેન્ક એકાઉન્ટનો અયોગ્ય ઉપયોગ થયાનાં કૌભાંડો સામે આવ્યાં છે ત્યારે આ પ્રકારની તપાસ મહત્ત્વની બની રહેશે.

તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, 'આવકવેરા વિભાગ લગભગ ૮૦,૦૦૦ કેસોની તપાસ કરી રહ્યો છે જેમાં નોટબંધી બાદ રિટર્ન ભરવામાં આવ્યા નહોતા અને વારંવાર નોટિસ આપવા છતાં રિટર્ન ભરવામાં આવ્યાં નથી.'

સૂત્રોના જણાવ્યા મુજબ, નોટબંધી બાદ રિટર્ન ભરવા માટે જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં જે લોકોએ રિટર્ન ફાઇલ નહોતાં કર્યાં તેમની તપાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સીએ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ભૂતપૂર્વ ચેરમેન સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, 'નોટબંધી બાદ નોંધપાત્ર રકમ જમા કરાવ્યા બાદ જેમણે રિટર્ન ફાઇલ નથી કર્યાં એવા લોકોને નોટિસ આપવાની ચાલુ છે. જે પાનકાર્ડ ધારકોએ રિટર્ન ના ભર્યાં હોય તેમની તપાસ ચાલી રહી છે.' ઉપરાંત, જેમણે રિટર્ન ભર્યાં હોય તેમને પણ સ્ક્રુટિની આવી છે. નોટબંધી બાદ રિટર્ન ભરવા માટે સરકારે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું પરંતુ તેમ છતાં રિટર્ન નહીં ભરનારા સ્વાભાવિક રીતે શંકાના દાયરામાં છે.

(10:38 am IST)