Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સિસ્ટમમાં ૮૦૦૦ કરોડ ઠાલવવા રીઝર્વ બેંકનો નિર્ણય

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બોર્ડે તેની પાસે રહેલા ૯.૬૯ લાખ કરોડની સરપ્લસ મૂડી અંગે નિર્ણય લેવા એક હાઇ-પાવર્ડ સમિતિ રચવાનો નિર્ણય લીધો

મુંબઈ તા. ૨૦ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ૨૨ નવેમ્બરે સરકારી સિકયોરિટીઝની ખરીદી દ્વારા સિસ્ટમમાં રૂ. ૮,૦૦૦ કરોડ ઉમેરશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડે તેની પાસે રહેલા ઈં ૯.૬૯ લાખ કરોડની સરપ્લસ મૂડી અંગે નિર્ણય લેવા એક હાઈ-પાવર્ડ સમિતિ રચવાનો નિર્ણય લીધો છે. બોર્ડે કહ્યું હતું કે તે એમએસએમઇ સેકટરમાં સ્ટ્રેસ્ડ એસેટ્સના રિસ્ટ્રકચરિંગ માટે એક સ્કીમનો વિચાર કરી રહી છે. સોમવારે બોર્ડની મિટિંગ નવ કલાક ચાલી હતી. તેમાં એવો નિર્ણય પણ લેવાયો હતો કે આરબીઆઇની બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન (બીએફએસ) એવી બેન્કો અંગે નિર્ણય લેશે જેમને પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન ફ્રેમવર્ક (પીસીએ) હેઠળ મૂકવામાં આવી છે.

ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક, સભ્યપદ અને નિયમોની ચકાસણી કરવા બોર્ડ એક નિષ્ણાત સમિતિ રચશે. તે માટેના નિયમો સરકાર અને આરબીઆઇ દ્વારા સંયુકતપણે નક્કી કરાશે.

સેન્ટ્રલ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યારની તરલતાની સ્થિતિની સમીક્ષા કરીને તથા ભવિષ્યમાં ટકાઉ લિકિવડિટીનો અંદાજ મૂકીને આરબીઆઇએ ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા સરકારી સિકયોરિટીઝ ખરીદવાનો નિર્ણય લીધો છે જેમાં ૨૨ નવેમ્બર (ગુરુવારે) સિસ્ટમમાં ૮,૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવશે.

ઓપન માર્કેટ ઓપરેશનથી તરલતાની સ્થિતિ હળવી થશે જે આઇએલ એન્ડ એફએસની કટોકટીના કારણે વિકટ બની છે. ઓએમઓના ભાગ તરીકે આરબીઆઇ ૨૦૨૧માં પાકતી સરકારી સિકયોરિટીઝ ખરીદશે. આરબીઆઇએ કહ્યું કે તે ૮,૦૦૦ કરોડથી ઓછી ખરીદીનો વિકલ્પ પણ સ્વીકારી શકે છે.

(10:42 am IST)