Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો મામલે કેન્દ્ર સરકાર ચિંતિત :પીએમ મોદીએ વિશ્વની તેલ કંપનીઓના સીઈઓ સાથે કરી બેઠક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, રોસેનેફ્ટ (રશિયા) ના પ્રમુખ અને સીઇઓ ડો.ઇગોર સેચિન અને સાઉદી અરામકોના ચેરમેન અને સીઇઓ અમીન નાસર સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે વડાપ્રધાન  મોદીએ વિશ્વની મોટી તેલ અને ગેસ કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, રોસેનેફ્ટ (રશિયા) ના પ્રમુખ અને સીઇઓ ડો.ઇગોર સેચિન અને સાઉદી અરામકોના ચેરમેન અને સીઇઓ અમીન નાસર સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

બેઠક પહેલા વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એક નિવેદનમાં કહ્યું કે આ છઠ્ઠી વાર્ષિક વાર્તાલાપ છે, જે 2016 માં શરૂ થઈ હતી. તેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ આ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રોનું અન્વેષણ કરે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ બ્રેકિંગ વધારો ચાલુ છે. દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ અને આઇઓસીએ પણ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 35 પૈસા વધીને 106.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

 ડીઝલનો ભાવ 35 પૈસા વધીને 94.92 રૂપિયા પ્રતિ લીટર થયો છે. એ જ રીતે, મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 35 પૈસા વધીને 112.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમત 37 પૈસા વધીને 102.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

(8:55 pm IST)