Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ રેલવે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

તહેવારોમાં રેલવેના મુસાફરો માટે રાહતના સમાચાર : બાંદ્રા - સુબેદારગંજ, બાંદ્રા -મઉ, સુરત-કરમાલી, સુરત-સુબેદારગંજ અને અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ ટ્રેન ચલાવાશે

મુંબઈ, તા.૨૦ : આગામી સમયમાં તહેવારોની સીઝન ચાલુ થનાર છે, ત્યારે ટ્રેનથી પોતાના ઘરે જનાર લોકો માટે સૌથી મોટા ખુશખબર મળી રહ્યા છે. ભારતીય રેલવેએ દીવાળી અને છઠ્ઠ પુજા-૨૦૨૧માં થનાર ભીડને જોતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભારતીય રેલવેના ઉત્તર મધ્યમ રેલવે (એનસીઆર) એ અમુક ટ્રેનોની એક યાદી  જાહેર કરી હતી. હવે પશ્ચિમ રેલવેએ પણ આગામી તહેવારોને જોતા અમુક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ રેલવેએ તેના સત્તાવાર ટ્વિટર પર આ માહિતી આપી છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બાંદ્રા ટર્મિનસ- સુબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ-મઉ સ્પેશિયલ ટ્રેન, સુરત-કરમાલી ટ્રેન, સુરત-સુબેદારગંજ ટ્રેન અને અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ વિશેષ ટ્રેનો શરૂ થતાં રેલવે મુસાફરોને સુવિધા મળે તેવી અપેક્ષા છે. આ દરમિયાન દોડાવવામાં આવનારી ટ્રેનો આ મુજબ છેઃ ટ્રેન નંબર ૦૯૧૯૧ બાંદ્રા ટર્મિનસ - સુબેદારગંજ દર બુધવારે ૧૯.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે ૨૨.૨૦ કલાકે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન ૨૭ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલશે.

ટ્રેન નંબર ૦૯૧૯૩ બાન્દ્રા ટર્મિનસ - મઉ સ્પેશિયલ દર મંગળવારે ૧૦.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને ત્રીજા દિવસે ૯.૦૦ કલાકે મઉ પહોંચશે. આ ટ્રેન ૨૬ ઓક્ટોબરથી ૧૬ નવેમ્બર સુધી ચાલશે.

ટ્રેન નંબર ૦૯૧૮૭- સુરતથી મંગળવારે સાંજે ૭.૫૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧.૧૦ વાગ્યે કરમાલી પહોંચશે. આ ટ્રેન સુરતથી દર મંગળવારે સાંજે ૭.૫૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે કરમાલી પહોંચશે.

ટ્રેન નંબર ૦૯૧૧૭ સુરત - સુબેદારગંજ સ્પેશિયલ દર શુક્રવારે સવારે ૬ વાગ્યે સુરતથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૭.૫૦ વાગ્યે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન ૨૨ ઓક્ટોબરથી ૨૬ નવેમ્બર સુધી ચાલશે. ટ્રેન નંબર ૦૧૯૦૬ અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી દર મંગળવારે ૩.૦૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૧.૫૫ કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૨૬ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી ચાલશે.

(7:45 pm IST)