Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૧૦ કરોડ લોકોએ રસીનો બીજો ડોઝ ન લેતાં સરકાર ચિંતિત

નવી દિલ્હી, તા.૨૦ : જ્યાં એક તરફ દેશ ૧૦૦ કરોડ વેક્સિન ડોઝ લગાવવાના લક્ષ્યના એકદમ નજીક છે ત્યાં કોરોના વેક્સિનેશનને લઈને એક મોટી સમસ્યા પણ સામે આવી છે. દેશમાં ૧૦ કરોડ એવા લોકો છે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ તો લગાવ્યો પરંતુ બીજો ડોઝ લગાવવા આવ્યા નહીં. નીતિ આયોગના સદસ્ય વીકે પૉલે બીજો ડોઝ લેનારની સંખ્યામાં ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે અપીલ કરી છે કે લોકોને આગળ આવીને બીજો ડોઝ લગાવવો જોઈએ.

વીકે પોલે કહ્યુ, દેશમાં હજુ એવા ૧૦ કરોડ લોકો છે જે પહેલો ડોઝ લીધા બાદ વેક્સિનનો બીજો ડોઝ લેવા આવી રહ્યા નથી. વીકે પોલે કહ્યુ, આવા લોકોને અપીલ કરો કે તેઓ વેક્સિનને લઈને પોતાના ડરને દૂર કરીને બીજો ડોઝ લેવા માટે આગળ આવે.

પોલે કહ્યુ, વેક્સિનના એક ડોઝથી કોરોના વિરૂદ્ધ આંશિક રીતે ઈમ્યુનિટી મળે છે જ્યારે બંને ડોઝ લેવાથી સારી ઈમ્યુનિટી મળે છે. બૂસ્ટર ડોઝની જરૂરિયાત પર તેમણે કહ્યુ, વૈજ્ઞાનિકોને એ નક્કી કરવુ જોઈએ કે આની જરૂર છે કે નહીં. અમેરિકા સહિત કેટલાક દેશોમાં વેક્સિનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે.

ભારતમાં અત્યાર સુધી ૯૯.૧૯ કરોડ વેક્સિનનો ડોઝ લગાવી ચૂકી છે. દેશમાં ૭૦,૨૩,૮૩,૩૬૮ લોકોને વેક્સિનની એક ડોઝ લાગ્યો છે જ્યારે ૨૮,૮૯,૫૪,૨૫૭ ફુલી વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે. આ આંકડો કેટલાક દેશોની વસતીથી પણ વધારે છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીએ કોરોના વિરૂદ્ધ વેક્સિનેશનની શરૂઆત થઈ હતી.

ભારતમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હોય પરંતુ હજુ આનુ જોખમ ઓછુ થયુ નથી. બ્રિટનમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૪૯,૧૫૬ કેસ સામે આવ્યા. જુલાઈ બાદ અહીં એક દિવસ સૌથી મોટો નંબર છે. આ સિવાય બ્રિટનમાં મંગળવારે કોરોનાથી ૨૨૩ મોત થયા. અગાઉ માર્ચ ૨૦૨૧માં ૨૩૧ મોત થયા હતા. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૬૨૩ હજાર કેસ સામે આવ્યા છે. અહીં હજુ પણ એક્ટિવ કેસ ૧.૭૮ લાખ કેસ છે.

(7:40 pm IST)