Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જેનિફરના ઈજિપ્તના કરોડપતિ સ્પોર્ટ્સમેન સાથે છનિકાહ થયા

બિલ ગેટ્સ અને પૂર્વ પત્ની પુત્રીના લગ્નમાં સાથે દેખાયા :ગત વર્ષે જેનિફર અને નાયલે સગાઈ કરી હતી, ખાનગી સમારોહમાં લગ્ન મુસ્લિમ રીતિ-રિવાજોથી થયા

વૉશિંગ્ટન , તા.૨૦ :મોટી દીકરી જેનિફર ગેટ્સના લગ્ન પ્રસંગે બિલ ગેટ્સ અને પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સ એકસાથે જોવા મળ્યા હતા. જેનિફરના લગ્ન ઈજિપ્તના કરોડપતિ સ્પોર્ટ્સમેન અને બિઝનસમેન નાયલ નાસર સાથે થયા છે. જેનિફરે નાયલને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. ફોક્સ બિઝનસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ લગ્ન મુસ્લિમ રીતિ-રિવાજોથી થયા હતા. શુક્રવારે રાતે પ્રાઈવેટ સેરેમનીમાં નિકાહનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગત વર્ષે જેનિફર અને નાયલે સગાઈ કરી હતી.

લગ્નની તસવીરોમાં જોઈ શકાય છે કે જેનિફરે સફેદ રંગનું ગાઉન પહેર્યું છે. તેણે પોતાની મિત્રો સાથે વેડિંગ ગાઉનમાં પોઝ આપ્યા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, જે ઘરમાં લગ્ન થયા તે બિલ ગેટ્સે વર્ષ ૨૦૧૮માં જેનિફર માટે ૧૫.૮૨ મિલિયન ડોલરમાં ખરીદ્યુ હતું. લગ્નની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી હતી. ભવ્ય સજાવટ કરીને એક ઘરને વેડિંગ વેન્યુમાં પરિવર્તિત કરવામાં આવ્યુ હતું.

જેનિફર અને નાયલે ફેબ્રુઆરી, ૨૦૧૭માં પોતાના રિલેશનશિપનો ખુલાસો કર્યો હતો. બિલ ગેટ્સની દીકરીએ એક વાર કહ્યુ હતું કે, સ્પોર્ટ્સ પ્રત્યેના તેના પ્રેમને કારણે તે નાયલને દિલ દઈ બેઠી. બિલ ગેટ્સનો જમાઈ નાયલ નાસર મૂળ ઈજિપ્તનો છે. તેના માતા-પિતા ત્યાં રહે છે, પરંતુ નાયલનો જન્મ શિકાગોમાં થયો હતો. નાયલનું બાળપણ કુવૈતમાં પસાર થયું જ્યાં તેના માતા-પિતાની એક આર્કિટેક્ચર અને ડિઝાઈન ફર્મ છે. નાયલના ભાઈનું નામ શરફ નાસર છે. નાસર અત્યારે કેલિફોર્નિયામાં રહે છે અને પ્રોફેશનલ ઘોડેસવાર છે.

માત્ર પાંચ વર્ષની ઉંમરથી નાયલ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે. નાયલ ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૭માં ઈન્ટરનેશનલ ફેડરેશન  ફોર ઈક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ વર્લ્ડ કપ ફાઈનલમાં ક્વોલિફાઈ કરી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૪માં એફઈઆઈ વર્લ્ડ ઈક્વેસ્ટ્રિયન ગેમ્સમાં પણ તેણે ભાગ લીધો હતો. તે અંગ્રેજી, ફ્રેન્ચ અને અરબી ભાષા બોલી શકે છે. નાયલે સ્ટેનફોર્ટ યુનિવર્સિટીથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સ્પોર્ટ્સમેન હોવાની સાથે તે બિઝનસમેન પણ છે અને તેમની કંપનીનું નામ નાસ્સાર સ્ટેબલ્સ એલએલસી છે. કેલિફોર્નિયા સ્થિત આ કંપનીની સ્થાપના વર્ષ ૨૦૧૪માં કરવામાં આવી હતી.

જેનિફર માટે કસ્ટમ વેડિંગ ડ્રેસ ડિઝાઈન કરનારા અમેરિકન ફેશન ડિઝાઈનર વેરા વેંગે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેનિફર અને નાયલના લગ્નમાં બિલ ગેટ્સના ભાઈ રોરી અને બહેન ફોબે પણ શામેલ થયા હતા. લગ્નમાં બિલ ગેટ્સના સાવકા માતા મિમિ ગાર્ડનર ગેટ્સ પણ હાજર હતા. વૉગના રિપોર્ટ અનુસાર, આ લગ્નની શરુઆત કાતબ અલ કિતાબ સાથે કરવામાં આવી હતી.

આ સમારોહ શુક્રવારના રોજ જેનિફર અને નાયલના નજીકના સ્વજનોની હાજરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં ગેટ્સ પરિવારે ઓછામાં ઓછા ૨ મિલિયન ડોલર ખર્ચ કર્યા છે.

 

(7:29 pm IST)