Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનો જેલવાસ લંબાયો, જામીન નામંજૂર

સ્ટાર પુત્ર આર્યનનો મુશ્કેલ સમય હજી પૂરો ન થયો : મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટના જામીન પણ નામંજૂર, આર્યનના વકીલ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે

મુંબઈ, તા.૨૦ : શાહરૂખ ખાનના દીકરા આર્યન માટે મુશ્કેલ સમય હજી પૂરો નથી થયો. મુંબઈની સેશન્સ કોર્ટે આર્યનના જામીન નામંજૂર કર્યા છે. આર્યન ખાનને ૭ ઓક્ટોબરના રોજ ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ૮ ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મજબૂતાઈથી આર્યનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આર્યનના વકીલોએ દલીલ કરી હતી કે તેની પાસેથી કોઈ પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો નથી અને તે પુરાવા સાથે છેડાછાડ નહીં કરે. જોકે, સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે એટલે હજી પણ આર્યનને આર્થર રોડ જેલમાં રહેવું પડશે.

આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટના જામીન પણ નામંજૂર થયા છે. હવે આર્યનના વકીલ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. જોકે, હજી ઓર્ડર કોપીની રાહ જોવાઈ રહી છે. જ્યાં સુધી ઓર્ડર કોપી નહીં મળે ત્યાં સુધી વકીલો આગળ તૈયારી નહીં કરી શકે. સેશન્સ કોર્ટની બહાર વકીલોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ઓર્ડરની કોપી ન આવી હોવાથી હજી તેમને પણ નથી ખબર કે કયા કારણોસર જામીન રદ્દ કરવામાં આવ્યા છે. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે, ષડયંત્રનો આરોપ આ પાછળ જવાબદાર હોઈ શકે છે. કોર્ટમાં જજે માત્ર એટલું જ કહ્યું કે, ત્રણેય જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવે છે.

આર્યન ખાનના વકીલો એટલે કે સતીશ માનેશિંદે અને અમિત દેસાઈ માટે આગળનો માર્ગ સરળ નથી. ઓર્ડરની કોપી મળ્યા બાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરવા માટે તેમણે તૈયારી શરૂ કરવી પડશે.

હાઈકોર્ટમાં કેસ પર નવેસરથી દલીલો થશે સાથે જ સેશન્સ કોર્ટના ઓર્ડરની કોપીને જોઈને એ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું પડશે જેના કારણે કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે  કે, ૨ ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર રેવ પાર્ટીમાં દરોડા પાડીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ સહિત ૮ લોકોની અટકાયત કરી હતી. પૂછપરછ બાદ ૩ ઓક્ટોબરે આ તમામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ૨૦થી વધુ ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીનો આજે ૧૩મો દિવસ છે.

કોર્ટનો ચુકાદો આવતાં પહેલા બુધવારે સવારે આ કેસને લગતી નવી વિગતો સામે આવી હતી. અહેવાલ પ્રમાણે, ક્રૂઝ પાર્ટી કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને આર્યન ખાન અને બોલિવુડમાં પદાર્પણ કરવા જઈ રહેલી એક્ટ્રેસ વચ્ચેની ચેટ મળી છે. આ ચેટ્સમાં ડ્રગ્સ અંગે

વાતચીત થઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે કેસની સુનાવણી દરમિયાન આરોપીઓની ચેટ્સ કોર્ટને સોંપી હતી અને તેમાં આર્યન અને તે એક્ટ્રેસ વચ્ચે થયેલી ચેટ્સ પણ સામેલ છે. આ સિવાય આર્યન અને કેટલાક ડ્રગ પેડલર્સ વચ્ચે થયેલી ચેટ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જેલમાં આર્યન ખાનનો કેદી નંબર ૯૫૬ છે. થોડા દિવસ પહેલા જ શાહરૂખ અને ગૌરીએ દીકરાને જેલમાં મની ઓર્ડર દ્વારા ૪,૫૦૦ રૂપિયા મોકલ્યા હતા.

જેલના નિયમ પ્રમાણે, કેદીને પરિવાર વધુમાં વધુ ૪,૫૦૦ રૂપિયાનો મની ઓર્ડર મોકલી શકે છે. આ રૂપિયા દ્વારા કેદી જેલની કેન્ટીનમાંથી જરૂરી વસ્તુઓ ખરીદી શકે છે. આર્યન ખાને જેલમાંથી શાહરૂખ-ગૌરીને વિડીયો કૉલ કર્યો હતો. કોરોના કાળમાં કેદીઓ અને તેમના પરિવાર વચ્ચે મુલાકાતની મંજૂરી ના હોવાથી વિડીયો કૉલ દ્વારા જેલ સત્તાધિશો તેમની વાત કરાવે છે.

આર્યને પોતાના પેરેન્ટ્સ સાથે ૧૦ મિનિટ વાત કરી હતી. આ તરફ મીડિયા રિપોર્ટ એવા પણ છે કે, આર્યન માટે ગૌરીએ માનતા માની છે અને તેણે ગળ્યું ખાવાનું છોડી દીધું છે. સાથે જ ઘરમાં પણ કંઈ ગળ્યું ના બનાવાનો આદેશ આપી દીધો છે.

 

(7:52 pm IST)