Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દિવાળીના એક સપ્‍તાહ પહેલા ઘરાકી સારી નીકળશે તેવી આશા છે

ફટાકડાના ભાવમાં ૩૦ ટકાનો વધારો : બજેટ વધારવું પડશે

સુરત, તા. ૨૦ : કોરોનાને કારણે ગત વર્ષે દિવાળીના તહેવારની ઉજવણી ફીક્કી રહી રહી હતી. આ વર્ષે સ્‍થિતિ સારી છે તો ભાવવધારો થઇ ગયો છે. ફટાકડા બજારમાં ૨૫ થી ૩૦ ટકાનો ભાવવધારો દરેક આઇટમમાં નોંધાયો છે. એ જોતા દિવાળીના અંતિમ દિવસોમાં ફટાકડા બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળે તેમ છે. સુરતમાં અત્‍યાર સુધીમાં ફક્‍ત ૧૦ ટકા સ્‍ટોલ શરૂ થઇ શક્‍યા છે. ફટાકડાના ભાવમાં વધારો થયો હોવાથી છૂટક અને જથ્‍થાબંધમાં ફટકાડકાના વેચાણ પર અસર વર્તાશે તેમ વેપારીઓ કહે છે.
ફટાકડાનો હોલસેલ વેપાર કરતા રોનીભાઇ પત્રાવાલાએ જણાવ્‍યું હતું. કે, શહેરમાં ફટાકડાની સૌથી જૂની બજાર ડબગરવાડને માનવામાં આવે છે. દશેરાથી ફટાકડા વેચાણની શરૂઆત થઇ જતી હોય છે. બજારમાં આસપાસના ગામોના નાના-મોટા વેપારીઓ તેમજ સિઝનલ ધંધો કરતા વેપારીઓ છુટક વેચાણ માટે ફટાકડાની ખરીદી કરવા આવતા હોય છે. અત્‍યાર સુધીમાં નજીકના ગામોના વેપારીઓના કારણે ૬૦ ટકા જેટલા ફટાકડાનું વેચાણ થઇ જતું હોય છે. પરંતુ આ વર્ષે નથી.
જો કે, બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે સિઝનલ ધંધો કરતા અને થડાં નાખીને ફટાકડાનું વેચાણ કરતા ઓછા થયા છે. તેની અસર ફટાકડા બજાર ઉપર પડી છે. આમ છતાં દિવાળીના એક સપ્તાહ પહેલા ઘરાકી સારી નીકળશે તેવી આશા છે.
ફટાકડાના છૂટક વેપારી ઉમેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, મારો મુખ્‍ય વેપાર તો જથ્‍થાબંધ પતંગનો છે. છેલ્લા બે વર્ષથી ફટાકડાના વેપારમાં જોડાયો છું. ગયા વર્ષ કોરોનાને કારણે આર્થિક ફટકો પડ્‍યો હતો. પરંતુ આ વર્ષે વેચાણ સારુ રહેશે એમ લાગી રહ્યું છે. જથ્‍થા બંધ ફટાકડાના વેપારીઓ દ્વારા ક્રેડિટ ઉપર માલ આપવાનું બંધ કરી દેવામાં આવ્‍યું છે. નાના છૂટક વેપારીઓ આર્થિક મુશ્‍કેલીમાં મુકાયા છે. અમને આશા છે કે દિવાળીના અંતિમ સપ્તાહમાં ઘરાકી સારી રહેશે.

 

(10:14 am IST)