Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૧૨ ઉપરઃ ડીઝલ ૧૦૨.૮૯નું લીટર

બે દિવસની સ્‍થિરતા બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયોઃ ડીઝલમાં ૩૪થી ૩૭ પૈસા તો પેટ્રોલમાં ૩૦થી ૩૪ પૈસાનો ભાવ વધારો : ૧૭ દિવસમાં પેટ્રોલ ૫ રૂા. મોંઘુ થયું તો ૨૦ દિવસમાં ડીઝલના ભાવમાં રૂા. ૬.૩૦નો વધારો થયોઃ મોંઘવારી ફાટીને ધૂમાડે

નવી દિલ્‍હી, તા. ૨૦ :. બે દિવસની રાહત બાદ ઓઈલ કંપનીઓએ આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કર્યો છે. આજે ડીઝલના ભાવમાં ૩૪થી ૩૭ પૈસા તો પેટ્રોલના ભાવમાં ૩૦થી ૩૪ પૈસાનો વધારો જાહેર કર્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૧૨.૧૧ રૂા. થઈ ગયો છે તો ડીઝલનો ભાવ પણ રૂા.૧૦૨.૮૯ પ્રતિ લીટર થઈ ગયો છે. જ્‍યારે દિલ્‍હીમાં પેટ્રોલ ૧૦૬.૧૯ અને ડીઝલ ૯૪.૯૨ રૂા. થયુ છે.
છેલ્લા ૧૭ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૫ રૂા. જેટલો વધારો થયો છે. તો ડીઝલમાં છેલ્લા ૨૦ દિવસમાં રૂા. ૬.૩૦નો વધારો થયો છે. ગયા મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકધારો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ ભભૂકી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ સામાન્‍ય માણસોના નાણાકીય બજેટ વેરવિખેર કરી નાખ્‍યા છે. આજે ચેન્‍નઈમાં પેટ્રોલ ૧૦૩.૩૧ તો ડીઝલ ૯૯.૨૬નું થયુ છે. દેશના અનેક ભાગોમાં પેટ્રોલ રૂા. ૧૦૦ની ઉપર પહોંચી ગયુ છે. મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર, આંધ્ર, તેલંગણા, કર્ણાટક, ઓડીસા, જમ્‍મુ-કાશ્‍મીર અને લડાખમાં ભાવ ૧૦૦ની ઉપર ચાલી ગયો છે. દેશમાં રોજેરોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્‍ય માણસોની આવક ઉપર અસર પાડી છે.

 

(10:09 am IST)