Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

અન્ડરવર્લ્ડ ડોન સુરેશ પૂજારીની ફિલિપાઈન્સમાં ધરપકડ

પુજારી ૨૦૦૭માં ભારતથી ફરાર થઇ ગયો હતો

મુંબઈ,તા. ૨૦: અનેક ગુનાઓમાં ફરાર અને ૧૪ વર્ષ પહેલાં ભારતથી રફુચક્કર થઈ ગયેલા અન્ડર વર્લ્ડના ડોન સુરેશ પૂજારીને આખરે પકડી પાડવામાં સફળતા મળી હતી. ફિલિપાઈન્સમાં ધરપકડ કરાયેલા પૂજારીને ભારત ડિપોર્ટ  કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. પૂજારી વિરુદ્ઘ મોટા ભાગના ગુના થાણે પોલીસમાં નોંધાયા હોવાથી ભારત લાવવામાં આવ્યા બાદ પૂછપરછ માટે તેને થાણે પોલીસને સોંપાય એવી શકયતા છે.

પૂજારીને ફિલિપાઈન્સમાં પકડી પાડવામાં આવ્યો હોવાના અહેવાલને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા સમર્થન મળી રહ્યું છે. જોકે મુંબઈ પોલીસનું અધિકૃત રીતે સંબંધિત એજન્સી સાથે કોઈ કમ્યુનિકેશન થયું નથી, એવું સૂત્રોનું કહેવું છે.

કહેવાય છે કે મુંબઈ પોલીસની એપ્લિકેશનને આધારે સીબીઆઈએ પૂજારી વિરુદ્ઘ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ) અને ડિપાર્ટમેન્ટ ઓફ જયુરીડિકશનની સંયુકત કાર્યવાહીમાં પૂજારી ઝડપાઈ ગયો હતો. ફિલિપાઈન્સમાં તે સતીશ પઈના નામે રહેતો હતો.

પૂજારી ફિલિપાઈન્સના હાઈ પ્રોફાઈલ વિસ્તારમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો અને તે ભાગ્યે જ દ્યરની બહાર નીકળતો હતો. વિવિધ એજન્સી દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હોવાથી તે સાદો મોબાઈલ ફોન વાપરતો હતો. તેની પાસે એક લેપટોપ હતું, જેનો ઉપયોગ તે ધમકીભર્યા કોલ કરવા માટે કરતો હતો. સૂત્રોનું કહેવું છે કે લેપટોપનો ઉપયોગ કરી તે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી)થી કોઈ અન્ય દેશના વર્ચ્યુઅલ નંબરની મદદથી ખંડણી માટે ધમકીભર્યા કોલ કરતો હતો, જેથી તેનું સાચું લોકેશન ન મળી શકે.

મુંબઈ પોલીસ, સીબીઆઈની સાથે તે એફબીઆઈના પણ રડાર પર હતો. પૂજારી ૨૧ સપ્ટેમ્બરથી ફિલિપાઈન્સમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યાર બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ મારફત ઈન્ટરપોલને એલર્ટ કરાઈ હતી. ફિલિપાઈન્સની એક ઈમારતની બહાર ઊભેલો પૂજારી સહેલાઈથી ઝડપાઈ ગયો હતો.

મૂળ ઉલ્હાસનગરનો રહેવાસી પૂજારી ૨૦૦૭માં ભારતથી ફરાર થઈ ગયો હતો. વિવિધ દેશોમાં તે સુરેશ પૂજારી સિવાય સુરેશ પૂરી અને સતીશ પઈને નામે રહેતો હતો. સ્વાભાવિક છે કે તેણે આ નામોના બનાવટી પાસપોર્ટ પણ બનાવડાવ્યા હતા.

એક સમયે તે ડોન રવિ પૂજારી સાથે કામ કરતો હતો. લગભગ ૧૦ વર્ષ અગાઉ રવિ પૂજારીથી છૂટા પડી તેણે પોતાની ગેન્ગ બનાવી હતી. નવી મુંબઈ, મુંબઈ અને થાણેના ડાન્સ બારના માલિકોને ખંડણી માટે તે કોલ કરતો હતો. ૨૦૧૮માં ખંડણીના જ મામલે કલ્યાણ-ભિવંડી હાઈવે પરની એક હોટેલમાં પૂજારીના શૂટર્સે ગોળીબાર કર્યો હતો, જેમાં રિસેપ્શન પર બેસેલા એક કર્મચારીને ગોળી વાગી હતી. આ દ્યટના બાદ તેનું પગેરું મેળવવાના સતત પ્રયત્નો ચાલી રહ્યા હતા.

(10:01 am IST)