Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

માઇનસમાં જીએસટી ૩બી રિટર્ન ભરવાનો પરિપત્ર હજુ કાગળ પર

માલ પરત આવે તે માટે સુવિધા આપવાની જાહેરાત કરી હતી : એક વર્ષ પહેલા કરાયેલી જાહેરાતનો અમલ હજુ પોર્ટલ પર કરાયો નથી

મુંબઇ,તા. ૨૦: વેપારીઓ દ્વારા વેચવામાં આવેલો માલ પરત આવે તો તેને જીએસટી રીટર્નમાં દર્શાવી શકતા નહોતા.જેથી એક વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૦માં માઇનસમાં રીટર્ન ભરી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ પોર્ટલ પર સુવિધા શરુ કરવામાં આવી નહીં હોવાના કારણે વેપારીઓની પરેશાની યથાવત રહેવા પામી છે.

જીએસટી લાગુ થયા બાદ વેપારીઓને ઓછી તકલીફ પડે તે રીતે સરળીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતનો અમલ કરવામાં આવતો નહીં હોવાના લીધે વેપારીઓની સ્થિતી જૈસે થે જેવી જ રહેવા પાંમી છે. કારણ કે સપ્ટેમ્બર ૨૦૨૦માં વેપારીએ વેચેલો માલ પરત આવેતો તે માલ રીટર્નમાં દર્શાવવા માટે માઇનસમાં ઉલ્લેખ કરી શકે તેવી સુવિધા શરૃં કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતનો અમલ એક વર્ષ બાદ પણ કરવામાં આવ્યો નથી. તેના કારણે વેપારી માલનુ વેચાણ કર્યા બાદ પરત આવે તો ચાલુ મહિના દરમિયાન વેચવામાં આવેલા માલનુ ઓછુ વેચાણ દર્શાવીને પરત આવેલા માલનુ હિસાબ સરભર કરવામાં આવતો હોય છે. તેના કારણે વેપારીઓની તકલીફ વધી જતી હોય છે. આ સમસ્યા દુર કરવા માટે જ પરત આવેલો માલ માઇનસમાં દર્શાવી શકાય તેવી સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

રિટર્ન ભરવામાં ભૂલ થઇ તો વેપારીને મળતી નોટીસ

પરત આવેલો માલ અને ચાલુ માસ દરમિયાન વેચવામાં આવેલો માલનો તાળો બેસાડીને રીટર્ન ભરવામાં આવતુ હોય છે. તેમ છતા જો રીટર્ન ભરવામાં વેપારીથી જરા સરખી પણ ભુલ થઇ જો જીએસટી પોર્ટલ પર સિસ્ટમ દ્વારા જ રીટનની ચકાસણી કરવામાં આવતી હોય છે. જેથી ભુલ તરત જ પકડાયા બાદ વેપારીને નોટીસ મોકલવામાં આવતી હોય છે. તેથી વેપારીને નોટીસ મળતા હાલત કફોડી બની જાય છે.

(9:59 am IST)