Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ગુજરાત-પંજાબ સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં સફળ

ભારતમાં કોરોનાના કેસનો આંકડો ૭૫ લાખને પાર : ઉત્તર પ્રદેશમાં મહારાષ્ટ્ર કરતા રોજ બમણા ટેસ્ટ, છેલ્લા એક મહિનાથી ગુજરાતનો પોઝિટિવિટી રેટ ૨ ટકા છે

નવી દિલ્હી , તા. ૨૦ : દેશમાં કોરોના વાયરસના ૭.૫ મિલિયનથી વધુ કેસ નોંધાયા છે. જો આપણે રાજ્ય મુજબ આંકડા જોઈએ તો વિકસિત કરતા પછાત તરીકે ઓળખાતા રાજ્યોને કોરોનાને મ્હાત આપવામાં વધુ સફળતા મળી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને આસામ એવા રાજ્યો છે જ્યાં કોવિડનો પોઝિટિવિટી રેટ ૨% કરતા ઓછો છે. પોઝિટિવિટી રેટ એટલે પ્રતિ ૧૦૦ પરીક્ષણો દીઠ પુષ્ટિ થયેલ કેસોની સંખ્યા હોય છે જે ૧૪ દિવસના અંતરાલમાં માપવામાં આવે છે. આ એક એવી ઉપલબ્ધિ છે જે આ રાજ્યો કરતા વધુ વિકસિત રાજ્યો પ્રાપ્ત કરવાથી ઘણા દૂર છે. કોરોનાના ટેસ્ટની વાત કરવામાં આવે તો ૧૪ દિવસના ડેટા મુજબ યુપી અને બિહારમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ડેટા મુજબ ગુજરાત, પંજાબ, તેલંગાણા અને હરિયાણા સંક્રમણ પર નિયંત્રણ મેળવી રહ્યા છે.

મહારાષ્ટ્ર અને કેરળ જેવા હોટસ્પોટ્સ કરતા આ રાજ્યો સ્ક્રીનિંગ પણ વધારે કરી રહ્યા છે. મતલબ કે વધતા જતા પરીક્ષણનાં સ્તરને કારણે વધુ કેસો આવશે, પરંતુ જો લાંબા ગાળે જોઈશું તો કાળજીપૂર્વક કોન્ટેક્ટ ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટમાં સંક્રમણને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકાય છે. ૧૪ દિવસના ડેટા પર નજર કરીએ તો બિહારમાં દિલ્હી કરતા લગભગ બમણા ટેસ્ટ થઈ રહ્યા છે. દેશમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યા છે. યુપી મહારાષ્ટ્ર કરતા દરરોજ બમણા ટેસ્ટ કરે છે. છેલ્લા બે અઠવાડિયામાં ઉત્તર પ્રદેશના વહીવટીતંત્રે ૨૧ લાખ ટેસ્ટ રેકોર્ડ કર્યા છે જ્યારે બિહારમાં લગભગ ૧૪ લાખ ટેસ્ટ થયા છે.

કોઈ રાજ્ય કોરોના સામેની લડતમાં કેવું કામ કરે છે તેનો પોઝિટિવિટી રેટ પરથી અંદાજ લગાવી શકાય છે. ૧૪ દિવસના સમયગાળામાં પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો હોય તો તે રાજ્યના ગ્રીન ઝોન માનવામાં આવે છે. ત્યારબાદ તે રાજ્ય લોકડાઉનના નિયમો હળવા કરી શકે છે. ૫થી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યોને રેડ ઝોનમાં આવે છે. વધુ પોઝિટિવિટી રેટનો અર્થ એ છે કે, ફક્ત સૌથી વધુ બીમાર લોકોનો જ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને મોટા પ્રમાણમાં સંક્રમિત વસ્તીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી. ડેટા બતાવે છે કે, ગુજરાત, પંજાબ, તેલંગાણા અને હરિયાણા સંક્રમણ પર નિયંત્રણ મેળવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતનો પોઝિટિવિટી રેટ ૨ ટકા રહ્યો છે, જ્યારે પંજાબ તેને ૫થી ઘટાડીને ૨.૪ ટકા કરવામા સફળ રહ્યું છે. તેલંગાણા અને હરિયાણામાં પણ પોઝિટિવિટી રેટ ૪ ટકા કરતા ઓછો છે.

જો ૧૦ લાખ વસ્તી દીઠ ટેસ્ટની સંખ્યા પર નજર કરીએ તો દિલ્હી ટોચ પર છે. અહીં દર ૧૦ લાખમાંથી ૧,૧૭,૮૯૦ પરીક્ષણ કરવામાં આવ્યા છે જ્યારે આસામમાં આ આંકડો ૮૧,૯૬૧ છે. બિહારમાં ૧૦ લાખ વસ્તી દીઠ ૪૩,૭૫૪ પરીક્ષણો છે, ઝારખંડમાં ૪૧,૮૮૬, યુપીમાં ૩૫,૮૯૮. મહારાષ્ટ્રમાં આ આંકડો ૪૩,૪૯૪ છે. ૧૪ દિવસના અંતરાલમાં પોઝિટિવિટી રેટનું વિશ્લેષણ સૂચવે છે કે મહારાષ્ટ્ર ડેન્જર ઝોનમાં છે, કારણ કે ત્યાં પોઝિટિવિટી રેટ ૧૫% છે. આ સિવાય કેરળમાં પોઝિટિવિટી રેટ ૧૪%, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ૧૦-૧૦%, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં ૯-૯% છે.

(7:48 pm IST)