Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફટકાર છતાંય માફી માગવા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથનો ઈનકાર

ભાજપનાં મહિલા નેતા સંદર્ભે વાંધાજનક ટિપ્પણ : કોંગ્રેસ નેતાએ કહ્યું તેમને અભદ્ર વ્યવહાર કે ભાષા પસંદ નથી

નવી દિલ્હી, તા. ૨૦ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથના ભાજપના મહિલા નેતાને લઈને કરેલા વાંધાજનક નિવેદનને લઈને હાથ ઉંચા કરી લીધા છે. કોંગ્રેસ નેતાએ આ નિવેદન સામે આપત્તી જતાવી છે છતાં કમલનાથે આ બાબતે માફી માગવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. રાહુલ કમલનાથના આ નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી હતી. રાહુલે કહ્યું હતું કે, કોઈ પણ મહિલા નેતા સાથે આ પ્રકારનો અભદ્ર વ્યવહાર કરી ના શકે. મને આ ભાષા પસંદ નથી.

કમલનાથે મધ્ય પ્રદેશની કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા ઈમરતી દેવીને 'આઈટમ ગર્લલ્લ કહ્યાં હતાં. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમને આ પ્રકારની ભાષા બિલકુલ પસંદ નથી. હું તેના વખાણ ના કરી શકું.

મધ્ય પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાજપના મહિલા નેતા ઈમરતી દેવીને 'આઈટમલ્લ ગણાવ્યા હતાં. ત્યાર બાદ ભારે વિવાદ થયો હતો. આ મામલે રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, જે રીતે આપણે મહિલાઓ સાથે વ્યવહાર કરીએ છીએ, તેને સુધારવાની જરૂર છે. આપણી મહિલાઓ દેશની શાન છે. હું આ પ્રકારની ભાષાને ક્યારેય સ્વિકારતો નથી.

કમલનાથના નિવેદનને લઈને અસહમતિ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તે આ પ્રકારના નિવેદનોની ક્યારેય પ્રશંસા કરી શકે નહીં. કોઈ પણ મહિલા સાથે આ પ્રકારનો વ્યવહાર કરી શકાય નહીં. આમ રાહુલ ગાંધીએ કમલનાથના નિવેદનને લઈને હાથ પાછા ખેંચી લીધા હતાં. રાહુલ ગાંધી હાલ કેરળના વાયનાડની મુલાકાતે છે. અહીં એક વાતચીત દરમિયાન તેમણે આમ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કમલનાથે ઈમરતી દેવીને 'આઈટમલ્લ કહેતા ભારે વિવાદ ઉભો થયો છે. ભાજપે કલમનાથ અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં. આ મામલે શિવરાજ સિંહ અને ઈમરતી દેવીએ કમલનાથને બરાબરના ઝાટક્યા હતાં.

(7:47 pm IST)