Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સ્કૂલોની ફી તો ઘટી પણ કોલેજોનું શું?

ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓના સંચાલકો ફી ઘટાડાવા તૈયાર નથી

રાજકોટ : ફી ઘટાડા મુદ્દે સરકારે સ્કૂલો બાદ હવે કોલેજોના સંચાલકોને પણ મનાવવા પડે તેવી સ્થિતિ છે. હાઈકોર્ટની સૂચનાથી સરકારે ફી કમિટીને સંચાલકો સાથે બેઠક કરી તેમનો અભિપ્રાય લેવાની કામગીરી તો સોંપી દીધી પરંતુ કોલેજો સંચાલકો ફી ઘટાડા માટે માન્યા નથી દરખાસ્ત સ્વીકારી નથી.

સરકાર માટે તો ખરેખર હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ છે કારણકે સરકારે શિક્ષણમાં ખાનગીકરણ વધારતા જયાં નવી નવી ખાનગી સ્કૂલો-કોલેજોને બેફામ મંજૂરીઓ આપી છે ત્યારે હવે એ જ સ્કૂલ-કોલેજો સરકારને ગાંઠતા નથી.

ગુજરાતમાં આવેલી ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિ.ઓ અને અન્ય વોકેશનલ કોલેજો તેમજ યુનિ.ઓમાં ફી ઘટાડાને લઈને હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે સરકારને સંચાલકોને પણ સાંભળવા સૂચના આપી છે.

જેના પગલે સરકારે ટેકનિકલ ફી કમિટીને સંચાલકોને સાંભળવા જવાબદારી આપી હતી. ફી કમિટીએ તમામ કોલેજ સંચાલક મંડળો તથા યુનિ.ઓના મેનેજમેન્ટને સાંભળ્યા બાદ હવે થોડા જ દિવસમાં ફી કમિટી સરકારને રિપોર્ટ આપશે.

આ ઉપરાંત ખાનગી વોકેશનલ કોલેજો-યુનિ.માટે સરકારે હંગામી ફી કમિટી રચી છે અને આ કમિટી પણ થોડા દિવસમાં સરકારને રિપોર્ટ આપશે. ત્યારબાદ સરકાર હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે અને બીજી બાજુ ટેકનિકલ કોલેજ સંચાલક મંડળ પણ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં પક્ષકાર તરીકે જોડાયા છે.

ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓના સંચાલકો ફી ઘટાડાવા તૈયાર નથી. સરકાર તરફથી અગાઉ ફી કમિટીએ સંચાલક મંડળો સમક્ષ ફી ઘટાડાનો પ્રસ્તાવ મુકયો હતો પરંતુ ખર્ચાઓ અને અગાઉ ન થયેલ ફી વધારા સહિતની બાબતોને ધ્યાનમા રાખતા હવે ફી ઘટાડો ન કરી શકવાનું સચાલકોનું સ્પષ્ટ કહેવુ છે.

જો કે ઘણી કોલેજો તો વિદ્યાર્થીઓ જ ન મળતા પહેલેથી બંધ કરવી પડી તેવી સ્થિતિમાં છે ત્યારે ફી ઘટાડો થાય તો દૂરની વાત છે. જયારે મોટી ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓ પણ ફી ઘટાડવા તૈયાર નથી ત્યારે હાલ તો સરકારે હવે સંચાલક મંડળોને મનાવવા પડે તેવી સ્થિતિ છે.(૩૭.૮)

વાલીઓ રાહમાં...

એક બાજુ સ્કૂલોમાં ૨૫ ટકા ફી ઘટયા બાદ કોલેજોમા પણ ફી ઘટાડાની ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે સરકારે હવે આ મુદ્દે પણ નિર્ણય કરવો પડે તેમ છે.પરંતુ સ્કૂલ સંચાલકોને જેમ કોલેજ સંચાલકો પણ અંત કયારે થશે કે કેમ તે પ્રશ્ન છે. બીજી બાજુ નવેમ્બરમાં રેગ્યુલર કોલેજો શરૂ થાય ત્યારે નવી ફી ભરવાની થતા વાલીઓ પણ રાહ જોઈને બેઠા છે કે કયારે ફી ઘટાડાનો નિર્ણય આવશે.

(3:34 pm IST)