Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભારતની બજારમાં વેચાતા ચાઇનાના જીવજંતુ મારવાના રેકેટ ઉપર જ વર્ષે દહાડે ૧૦૦ કરોડની ટેક્ષ-ડયુટી ચોરી

ચાઇનાથી ભારતની બજારમાં ઠલવાતી 'ફિનિસ્ડ પ્રોડકટ' માં અન્ડર ઇન્વોઇસીંગનું આંખ ઉઘાડી નાંખે તેવું કૌભાંડઃ જાગૃત નાગરિકે વડાપ્રધાનને પત્ર લખ્યો

રાજકોટ તા. ર૦ :.. ચાઇનાથી ભારતીય બજારમાં ઠલવાતી ફીનીસ્ડ પ્રોડકટસ (તૈયાર માલ) ઉપર વરસે દહાડે અન્ડર ઇન્વોઇસ કૌભાંડ મારફતે હજારો કરોડની ટેકસ - ડયુટી ચોરી થતી હોવાની રજૂઆત એક જાગૃત નાગરીકે વડાપ્રધાનશ્રીને સંબોધી કરેલી મુદાસરની આંકડાકીય રજૂઆત સાથે કરી છે.  દર વરસે ભારતીય બજારમાં જીવજંતુ મારવાના ચાઇનીઝ રેકેટના ૩૦૦ લાખ નંગ આયાત થાય છે. આ રેકેટની સાચી કિંમતને બદલે અઢી -  પોણા  ત્રણ ગણી ઓછી એટલે કે ચીનની માર્કેટમાં ૧૧પ રૂ. ની કિંમતે વેંચાતા રેકેટની કિંમત માત્ર ૪૦ થી ૪પ રૂ. દર્શાવી તેના પર કસ્ટમ્સ, ઇન્કમ ટેકસ, સહિતના ટેકસ અને ડયુટીની ગણત્રી રૂ. ૧૭ થી ૧૮ ગણાવી ભારતીય પોર્ટ બહાર માત્ર ૪પ થી પ૦ રૂ. માં કલીયર કોસ્ટ સાથે નીકળતા દર્શાવવામાં આવે છે. આ એક જ પ્રોડકટ ઉપર આશરે ૧૦૦ કરોડની ટેકસ અને ડયુટીની આવકનો માર ભારતીય તીજોરીને પડતો હોવાની રજૂઆત  કરવામાં આવી છે. જો અન્ડર વોઇસ કૌભાંડ આચરવામાં ન આવે તો આ રેકેટ પ૦ રૂ. ની ટેકસ - ડયુટી સાથે ભારતીય માર્કેટમાં ૧૬પ રૂ. ની કિંમતે પોર્ટ બહાર નિકળે...!? એટલે કે ભારતીય તીજોરીને રેકેટ દીઠ ૧૭-૧૮ ને બદલે પ૦ રૂ. મળે?!

માત્ર મોસ્કીટો રેકેટની એક જ પ્રોડકટ ઉપર થતી ટેકસ-ડયુટી ચોરીનો આંકડો જ  વરસે ૧૦૦ કરોડનો હોય તો ભારતીય બજારમાં ચાઇનાની આવી સેંકડો ફીનીસ્ડ પ્રોડકટસ ઠલવાય છે. આ ઉત્પાદનો ઉપર થતી ચોરીના આંકડાનો ટેકસ  કેન્સલ્ટન્ટ અને કસ્ટમ્સ ડયુટીના જાણકારો સાથે બેસી 'અડસઠો' લગાવવામાં આવે તો વરસે - દહાડે ચીનથી આયાત થતી પ્રોડકટસમાં કરપ્ટ - લાંચીયા સિન્ડીકેટ ભારતીય તીજોરીને હજજારો કરોડનું નુકશાન પહોંચાડતી હોવાની સનસનીખેજ રજુઆત વડાપ્રધાન કાર્યાલયને પત્ર પાઠવી કરવામાં આવી છે જે આંખો પહોળી કરી દયે તેવી છે.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રાલય અને પીએમઓ ને આવી અનેક રજૂઆતો સતત થતી જ રહે છે.  (પ-૧૯)

અન્ડર વેલ્યુએશન કૌભાંડ શું છે ?

ચીનની બજારમાં રૂ. ૧૧પ ની કિંમતે વેંચાતા રેકેટને ભારતીય પોર્ટ ઉપર રૂ. ૪૦ થી ૪પ નંગ દીઠ દર્શાવી કસ્ટમ્સ ડયુટી -  ટેકસની આકારણી કરી રૂ. પપ થી ૬૦ ની કિંમતે પોર્ટ કલીયરન્સ આપવામાં આવે છે. જો ચોરી ન થતી હોય તો પ૦ રૂ. નંગ દીઠ ભારતીય તીજોરીને આવક થાયઃ કૌભાંડી સિન્ડીકેટને કારણે ભારતીય તીજોરીને રેકેટ દીઠ માત્ર ૧૭ થી ૧૮ રૂ.ની આવક...!!

(3:32 pm IST)