Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

લાખો કેન્દ્રીય કર્મચારીઓને મળતા DA પર સરકાર કાલે મોટો નિર્ણય લેશે !

આધાર વર્ષમાં કરાશે ફેરફાર : જો ૨૦૧૬ કરશે તો વધશે ડીએ

નવી દિલ્હી,તા. ૨૦: લાખો કેન્દ્રીય કર્મચારીઓને બહુ જલદી સારા સમાચાર મળે એમ છે. સરકાર મોંઘવારી ભથ્થાં (ડીએ) પર મોટો નિર્ણય લઇ શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓની સેલરી વધારે એવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ઔદ્યોગિક કામદારો માટેનો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસ (CPI -IW)નું બેઝ યર એટલે કે આધાર વર્ષમાં ફેરફાર કરે એવી શકયતા છે. જો સરકાર આ આધાર વર્ષને ૨૦૧૬ કરશે તો કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી માનવામાં આવશે. આ ફેરફારથી દેશના ૪૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે.

સરકાર ૨૧ ઓકટોબર મોટો નિર્ણય લે એવી સંભાવના છે. સરકારના આ કન્ઝયુમર પ્રાઇમ ઇન્ડેકસ (CPI -IW)નું આધાર વર્ષમાં ફેરફાર કરવાની પૂરી સંભાવના છે. આ સંબંધે સરકાર દ્વારા વિગતવાર માહિતી જારી કરવામાં આવે એવી શયકતા છે.

આ વર્ષના પ્રારંભમાં કેન્દ્ર સરકારે ડીએની ચુકવણીને મંજૂરી આપી દીધી હતી. અને પ્રક્રિયા પણ શરૂ થવાની હતી, પણ માર્ચમાં રોગચાળાને કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સરકારે ડીએની ચુકવણી અટકાવી દીધી હતી. સરકાર દ્વારા આ પ્રતિબંધ વર્ષ ૨૦૨૧ સુધી જારી રહેશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ૧૭ ટકા લેખે મોંઘવારી ભથ્થા ચુકવણી થઇ રહી છે.

કેન્દ્રીય કર્મચારીઓને હવે ૨૧ ઓકટોબરે સરકારે શો નિર્ણય લે છે એના પર નજર રહેલી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષકુમાર ગંગવાર આ દિવસે CPI -IW સૂચકાંક જારી કરે એવી ધારણા છે. જો સરકાર આમાં ફેરફાર કરશે તો કર્મચારીઓના વેતનમાં વધારો નક્કી છે. વેતન અને ડીએનું આકલન આ CPI -IW ને આધારે હોય છે. જો એના આધાર વર્ષમાં ફેરફાર થશે તો સીધી મોંઘવારી ભથ્થાં પર અસર થાય છે. CPI -IWના આધાર વર્ષ બદલાશે તો ખાનગી ક્ષેત્રના કામદારોના ન્યૂનતમ વેતનમાં પણ વધારો થશે.

કન્ઝયુમર પ્રાઇમ ઇન્ડેકસ એક મહત્વપૂર્ણ માપદંડ હોય છે. એનો ઉપયોગ ચીજવસ્તુઓની સરેરાશ કિંમતના માપ માટે હોય છે. ચીજવસ્તુઓ અને સેવાઓના એક સ્ટાન્ડર્ડ ગ્રુપની સરેરાશ મૂલ્યની ગણતરી કરીને એનુ કેલકયુલેશન થાય છે. એનો ઉપયોગ અર્થતંત્રમાં રિટેલ ફુગાવાના આકલન કરીને કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટે પણ કરવામાં આવે છે.

(11:34 am IST)