Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કર્ણાટકમાં ડ્રગ કેસની સુનાવણી કરતા વિશેષ ન્યાયાધીશને ધમકીભર્યો પત્ર મળ્યો : ખળભળાટ

સેન્ડલવુડ ડ્રગ્સ કેસ : બોમ્બ સ્કવોર્ડની ટીમે ડેટોનેટર હોવાની પુષ્ટિ કરી : પત્રમાં બે ફિલ્મ અભિનેત્રીઓ અને બેંગલુરુમાં થયેલી હિંસાના આરોપીઓને જામીન આપવા માટે માગ

બેંગ્લુરુ : સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં સુનાવણી કરનારા NDPSના વિશેષ ન્યાયાધીશને ધમકીભર્યું પત્ર અને ડેટોનેટર સાથે એક પાર્સલ મળ્યું છે. પત્રમાં બે ફિલ્મ અભિનેત્રીઓ અને 11 ઓગસ્ટે બેંગલુરુમાં થયેલી હિંસાના આરોપીઓને જામીન આપવા માટે માગ કરવામાં આવી છે.

NDPSના એક વિશેષ ન્યાયાધીશ, જે કર્ણાટકના ફિલ્મ સ્ટાર્સ સાથે સંકળાયેલા ડ્રગ કેસની સુનાવણી કરી રહ્યા છે, તેમને સોમવારે ધમકીભર્યો પત્ર અને ડેટોનેટર સાથે એક પાર્સલ મળ્યું હતું. જેમાં બે ફિલ્મ અભિનેત્રીઓ અને 11 ઓગસ્ટે બેંગલુરુમાં થયેલી હિંસાના આરોપીઓને જામીન આપવા માટે માગ કરી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અમે તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તુમકુરૂ જિલ્લા મુખ્યાલયથી મોકલવામાં આવેલા એક પાર્સલ અને ડ્રગ કેસની સુનાવણી કરતા વિશેષ ન્યાયાધીશને સંબોધન કરતો પત્ર કોર્ટની બહાર મળી આવ્યો હતો.

આ કેસમાં ફિલ્મ અભિનેત્રી રાગિની દ્વિવેદી અને સંજના ગલરાની સહિત કેટલાક મોટા લોકોના નામ આરોપી તરીકે સામે આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે કોર્ટના કર્મચારીઓએ પત્ર ખોલ્યો ત્યારે તેઓએ શંકાસ્પદ વસ્તુ જોઇને પોલીસને જાણ કરી હતી. પોલીસ બોમ્બ સ્કવોર્ડની ટીમને જાણ કરી હતી.

(11:04 am IST)