Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આરોગ્ય સેતૂ એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરનારા લોકોને સરકારી લાભથી વંચિત રાખી શકાય નહીં

આરોગ્ય સેતૂને ફરજિયાત ડાઉનલોડ કરવા વિરુદ્ધની અરજી પર સુનાવણીમાં કર્ણાટક હાઇકોર્ટે મોટી રાહત આપી

બેંગ્લુરુ : કર્ણાટક હાઈકોર્ટે કહ્યુ છે કે, આરોગ્ય સેતૂ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરનારા નાગરિકોને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો જરૂરી સરકારી સુવિધાઓથી વંચિત રાખી શકે નહીં. જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ અશોક રામ કિનાગીની બેંચે આરોગ્ય સેતૂને ફરજિયાત ડાઉનલોડ કરવા વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતા કહ્યુ હતું કે, આવા લોકોને સાર્વજનિક સેવાઓથી વંચિત રાખી શકાય નહીં. ત્યારે હવે હાઈકોર્ટે એ લોકોને રાહત આપી છે કે, જેણે પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતૂ એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરવાના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસના કહેરને ધ્યાને રાખીને લોકડાઉનના થોડા સમય બાદ આરોગ્ય સેતૂ એપ્લીકેશન લઈને સરકાર ગંભીર થઈ હતી. વિતેલા થોડા મહિનામાં ભારત સરકાર વારંવાર લોકોને આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા દબાણ કરી રહી છે.વચ્ચે તો એવી પણ ખબર આવી હતી કે, આ એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરનારા લોકોને સરકારની જરૂરી સુવિધાનો લાભ પણ મળશે નહીં.

(8:25 am IST)