Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો શક્ય તે બાબત ફરીવાર પુરવાર થઇ

પોકમાં તોપ હુમલા બાદ ભાજપની પ્રતિક્રિયા : પોકમાં ભારતીય સેનાની કાર્યવાહીનું કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા પણ સ્વાગત કરાયું : ભારતીય સેના પૂર્ણ સક્ષમ

નવીદિલ્હી, તા. ૨૦ : પાકિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ બનાવીને ભારતે પોકમાં મોટો હુમલો કર્યા બાદ ભારતમાં જુદા જુદા રાજકીય પક્ષો તરફથી પણ સ્પષ્ટ પ્રતિક્રિયાઓ આવી છે. મોટાભાગના રાજકીય પક્ષોએ ભારતની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. ભાજપે સેનાની કાર્યવાહીનું સ્વાગત કરીને કહ્યું છે કે, મોદી છે તો શક્ય છે તે બાબત ફરી એકવાર સાબિત થઇ ગઈ છે. પાકિસ્તાનને તેના દુસાહસ બદલ વારંવાર યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પોક સ્થિત ત્રાસવાદી કેમ્પોને નષ્ટ કરવા બદલ ભારતીય સેનાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરીને ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા હતા. અમારા જવાન શહીદ થઇ રહ્યા હતા જેથી આ સ્ટ્રાઇક જરૂરી બની ગઈ હતી. કારણ કે જે જગ્યાએ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ  ભારતમાં ઘુસવાની તૈયારીમાં હતા.

        બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા રામમાધવે કહ્યું છે કે, ભારતીય સેનાની કાર્યવાહી પ્રશંસાપાત્ર છે. સેનાએ ફરી એકવાર પરાક્રમ દર્શાવીને પોતાની કુશળતા દર્શાવી છે. તમામ માહિતી એકત્રિત કરવામાં આવ્યા બાદથી આ ટાર્ગેટ પર કાર્યવાહી કરવામાં આવી હતી. રામમાધવના કહેવા મુજબ ભારતીય સેના તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે અને આજે ત્રાસવાદીઓને ફરીએકવાર જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને અન્ય રાજકીય પક્ષોએ પણ આ કાર્યવાહીનું સ્વાગત કર્યં છે. કોંગ્રેસી નેતાઓનું કહેવું છે કે, ભારતીય સેનાએ કુશળતાપૂર્વક કાર્યવાહી કરીને તેની ક્ષમતા દર્શાવી છે. મોદી સરકારમાં મંત્રી રહેલા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ આ કાર્યવાહીની પ્રશંસા કરી છે.

          ભાજપના નેતાઓનું કહેવું છે કે, મોદી છે તો શક્ય છે તે બાબત ફરીએકવાર પુરવાર થઇ છે. ઉરીમાં સેનાના કેમ્પમાં હુમલા બાદ ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામા હુમલા બાદ એરસ્ટ્રાઇક કરીને ત્રાસવાદી કેમ્પોને ફુંકી મરાયા હતા અને હવે ત્રીજી સ્ટ્રાઇક કરીને તોપથી આતંકવાદી કેમ્પો અને પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ભારતે વૈશ્વિક મંચ પર પોતાની સંરક્ષણ નીતિ અને ઝીરો ટોલરન્સની નીતિનો પરિચય આપ્યો છે. કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ ભારતીય સેનાની ભારે પ્રશંસા કરી છે. બીજી બાજુ સંરક્ષણ નિષ્ણાતોના કહેવા મુજબ ભારતે સતત કાર્યવાહી જારી રાખીને ત્રાસવાદીઓને બેઠા થવાનીકોઇપણ તક આપવી જોઇએ નહીં.

૩ સ્ટ્રાઇક ક્યારે ક્યારે ૨૦૧૯માં બે વખત સ્ટ્રાઇક

નવીદિલ્હી, તા. ૨૦ : ભારતે ચાર વર્ષના ગાળામાં ત્રણ વખત પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરીને પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. ઉરી, પુલવામા હુમલા બાદ બે વખત હુમલા કરાયા હતા અને ત્રીજી વખત હુમલા કરાયા છે. ૨૦૧૯માં બીજી વખત ભારતે પોકમાં કાર્યવાહી કરી છે.

*   ઉરીમાં ભારતીય સેનાના કેમ્પમાં હુમલો કરીને મોટી સંખ્યામાં ભારતીય જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ભારતે જોરદાર જવાબી કાર્યવાહી કરીને ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પોકમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. અનેક ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારીને ત્રાસવાદીઓને નજીકની કાર્યવાહી કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા

*   ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી કેમ્પો અને આતંકવાદીઓનો ખાત્મો કરાયો હતો જેમાં બિનસત્તાવારરીતે ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓના મોતનો આંકડો આવ્યો હતો. આ કાર્યવાહી પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર ત્રાસવાદી હુમલા બાદ કરાઈ હતી. પુલવામામાં ભારતના સીઆરપીએફના ૪૨ જવાન શહીદ થયા હતા

*   ૨૦મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે પાકિસ્તાનની તંગધારમાં કાર્યવાહી બાદ જવાબી કાર્યવાહીરુપે પોકમાં તોપ હુમલો કરીને પાકિસ્તાનના ૩૫થી વધુ આતંકવાદીઓ અને ૧૦થી વધુ જવાનોને મોતને ઘાટ ઉતારી દેવાયા

(8:00 pm IST)